શોભાયાત્રા, ધર્મસભા પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન
જેતપુર ખાતે જગદગુરુ વલ્લભાચાર્ય સંપ્રદાય મોટી હવેલીની ઉત્સવ સમિતિ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્યચરણ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ગોસ્વામી બાલકૃષ્ણલાલજી મહારાજની અધ્યક્ષતામાં તેમજ પ્રિયાંકરાયજીના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે.
હવેલી ઉત્સવ સમિતિ તેમજ એમવાયએમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ ઉજવણીની મળેલી માહિતી મુજબ ચૈત્ર વદ્દ 11 ને મંગળવારને તા.26 એપ્રિલના રોજ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ વલ્લભાચાર્યજીના 546માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી થશે.જેમાં વલ્લભાચાર્ય વંશાવતંશ ગો વ્રજભૂષણ લાલજી મહારાજના આત્મજ બાલકૃષ્ણલાલજી મહારાજ તેમજ પ્રિયાંકરાયજી બિરાજમાન થશે.
ઉત્સવના આગલે દિવસે મહાપ્રભુજીનાં જીવન ચરિત્ર ને લગતી લેખિત પ્રશ્ર્નોતરી અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવેલ છે. તા.26-4ના મુખ્ય મહોત્સવના દિવસે સવારે 7.30 કલાકે પુષ્ટિ ધ્વજ વંદન, 8.15 કલાકે શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ તેમજ બપોરે 1.00 કલાકે રાજભોગમાં તિલકના દર્શન થશે ત્યારબાદ સાંજે 5.00 કલાકે કીર્તન મંડળી અને બેન્ડવાજા સાથે ઉત્સવની શોભાયાત્રા બંને વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિમાં મોટી હવેલી એથી નીકળી ગોંડલ દરવાજા થઇ ફૂલવાડી,ચાંદની ચોક,સ્ટેન્ડ ચોક,એમ જી રોડ,ધોરાજી દરવાજા ,મોટા ચોક થઇને મોટી હવેલીએ પહોચી ધર્મસભા ના રૂપમાં ફેરવાશે.
જેમાં સાંજે 7.30 કલાકે ધર્મસભામાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું આચાર્ય પૂજન થયા બાદ પૂજ્ય મહારાજના પ્રવચન થશે. અંતમાં કેસરી સ્નાન અને ચરણ સ્પર્શ થશે. આ કાર્યક્રમમાં આયોજનમાં શહેરના નામાંકિત ઉદ્યોગપતિ અને શહેરી આગેવાનો ઉપસ્થિત રહેશે.શ્રી મોટી હવેલી સમિતિના દરેક સભ્યો આ ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાના આયોજનને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર


