Gujarat

જો અમરેલી શહેરમાં આવેલ રાજમહેલ અંગે તંત્ર કોઈ ઉચિત પગલું ભરી તેની રાખરખાવટ માટે તૈયારીમા હોય તો સાવરકુંડલા શહેરના ગૌરવ સમાન શહેરની મધ્યમાં આવેલ દરબારગઢ માટે પણ તંત્ર કોઈ ઉચિત પગલાં લઈને તેનું જતન ન કરી શકે? સાવરકુંડલાવાસીઓના મનમાં ઊઠતો વણઉકેલ સવાલ.

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
અમરેલી શહેરમાં આવેલ રાજમહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે એવાં સમાચાર જ્યારે આજરોજ અખબારોમાં પ્રસિધ્ધ થયા ત્યારે ફરી પાછો સાવરકુંડલા દરબારગઢને પણ પ્રવાસન સ્થળ તરીકે શા માટે ન વિકસાવી શકાય? કે સાવરકુંડલાની એ પ્રાચીન ધરોહરનું જતન કરી પ્રવાસન ખાતું કે પુરાતત્વ વિભાગ શા માટે આટલો ઉદાસીન હશે? એ પ્રશ્ન દરેક સાવરકુંડલાવાસીઓનાં મનમાં સળવળાટ તો અવશ્ય કરે. શું આ સંદર્ભે કોઈ સબળ નેતૃત્વ નહીં હોય.?? એવો પ્રશ્ન પણ મનમાં અવશ્ય ઉદભવે.. હા, અમરેલી તો જિલ્લા લેવલનું શહેર છે એટલે જિલ્લાભરનાં  અગ્રણી રાજકીય નેતાગીરી સબળ અવાજ ઉઠાવી શકે તો સાવરકુંડલા શહેર પણ આમ તો અમરેલીની સમકક્ષ જ ગણાય. એટલે સાવરકુંડલા શહેરનાં ધરોહર સમા સાંસ્કૃતિક વારસા સમાન એ દરબારગઢનું જતન, રાખરખાવટ કરવાની જવાબદારી પણ હવે સાવરકુંડલા શહેરના રાજકીય, સામાજિક નેતૃત્વ ધરાવતાં લોકોએ લેવી જ પડશે..એવું લાગે છે. ધીમે ધીમે ક્ષીણ થતાં એ આપણા પ્રાચીન વૈભવ અને વારસા સમાન દરબારગઢ પડીને પાદર ખંડેર  થાય તે પહેલાં તેના માટે તંત્ર દ્વારા કોઈ પ્રભાવશાળી પગલાં ભરવામાં આવે એ જરૂરી છે.. હાલ તો એના એ દરબારી ઠાઠમાઠવાળાં એ દરવાજા પણ બિલકુલ જીર્ણશીર્ણ અવસ્થામાં જોઈને સમગ્ર સાવરકુંડલાવાસીનાં જીવ બળતાં જોવા મળે છે. આમ હવે યુધ્ધના ધોરણે આ દરબારગઢની  જાળવણી કરવા માટે તંત્ર કોઈ ઉચિત પગલાં લ્યે એ જ સાંપ્રત સમયની માંગ છે. એડવોકેટ જુબેરભાઈ ચૌહાણ જેવા બુધ્ધિજીવી વર્ગના લોકો આ માટે સતત પ્રયત્નશીલ રહે છે કે દરબારગઢને પુરાતત્વ વિભાગ સંભાળ લે અને આ દરબારગઢને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે.. પરંતુ હવે સમય આવી ચૂક્યો છે. તમામ રાજકીય, સામાજિક અગ્રણીઓએ એકજૂટ થઈને તંત્રના કાને આ વાત પહોંચાડવાનો કે જો અમરેલી રાજમહેલ માટે કોઈ સકારાત્મક નિર્ણય લેવાની ગુંજાઈશ હોય તો સાવરકુંડલા શહેરની શાન સમો દરબારગઢ વિશે તંત્ર કોઈ સુચારું વલણ અપનાવી અને વિલુપ્ત થઈ રહેલાં એ દરબારગઢને ન્યાય આપાવે એજ સમયની સાચી માંગ છે. ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *