સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લાની જનતાને જિલ્લા કક્ષાની આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે હેતુથી જિલ્લાના સાવરકુંડલા સરકારી સિવિલ હોસ્પિટલને જિલ્લા કક્ષાનો દરજ્જો આપવા ગુજરાત ભાજપ કિસાન મોર્ચાના પ્રદેશ ડેલીગેટ અને ૯૭ સાવરકુંડલા/ લીલીયા વિધાનસભાના ૨૦૧૭ની ચૂંટણીના ઉમેદવાર શ્રી કમલેશ કાનાણીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબને રજૂઆત કરી લેખિત માંગણી કરેલ છે. સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લાનો મોટો તાલુકો છે અને જિલ્લાનું સેન્ટર છે. જો સાવરકુંડલા સરકારી હોસ્પિટલને જિલ્લા કક્ષાનો દરજ્જો આપવામાં આવે તો જિલ્લાના રાજુલા, જાફરાબાદ, લીલીયા, ધારી, ચલાલા, ખાંભા, બગસરા, અમરેલી તાલુકાની જનતાને સાવરકુંડલા નજીકનું સેન્ટર પડે અને આ તાલુકાની જનતા આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવી શકે. અમરેલી સિવિલ હોસ્પિટલ જિલ્લા કક્ષાની કાર્યરત હતી તે હવે મેડિકલ કોલેજમાં તબદીલ કરી ટ્રસ્ટને સોંપવામાં આવેલ છે. માટે જિલ્લાની જનતાને જિલ્લા કક્ષાનો લાભ મળતો રહે તે હેતુથી સાવરકુંડલા સરકારી સિવિલ હોસ્પિટલને જિલ્લા કક્ષાનો દરજ્જો આપવા કમલેશ કાનાણીએ માંગણી કરેલ છે..
