દ્વારકા
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામના એક મહિલાની હત્યા કરી આ મૃત્યુને કુદરતી મૃત્યુમાં ખપાવી દેવાના બનાવમાં પોલીસે કાર્યવાહી કરી, આ પ્રકરણમાં મૃતક મહિલાના સગાભાઈ તથા તેણીના જેઠની અટકાયત કરી લીધી છે. આરોપી શખ્સોને મૃતક મહિલાના ચારિત્ર ઉપર શંકા જતા હત્યા કર્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. સુમરીબેન સામતભાઈ મોઢવાડિયાના મૃત્યુ સંદર્ભે તેણીના ચંદ્રવાળા ગામે રહેતા મોટાબાપુ, કાકા વિગેરે ઉપરાંત તેણીના ગોરાણા ગામે રહેતા ત્રણ મામા દ્વારા જણાવાયા મુજબ ભૂમિબેનના માતાનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાથી તેણે ખાપટ ગામેથી ચંદ્રવાડા ગામે બોલાવી અને શંકાસ્પદ હાલતમાં મૃતક સુમરીબેન મોઢવાડિયાની અંતિમ વિધિ ચંદ્રવાળા ગામે કરવાના બદલે પોરબંદર ખાતે કરી દીધાના બનાવે શંકા જન્માવતા મૃતકના પુત્રી ભૂમિબેન દ્વારા તેણીના મોટા બાપુ તથા ત્રણ મામા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કલ્યાણપુર પોલીસે ભૂમિબેનના મોટા બાપુ કાનાભાઈ નાગાભાઈ મોઢવાડિયા, કાકા બાલુભાઈ નાગાભાઈ મોઢવાડિયા તથા તેણીના મામા અરજણભાઈ ગોરાણીયા, અરશીભાઈ ગોરાણીયા તથા રામદેભાઈ ગોરાણીયા નામના કુલ પાંચ પરિવારજનો સામે મનુષ્યવધ તથા પુરાવાના નાશ કરવા અંગેની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે ડીવાય.એસ.પી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુરના તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. ગગનીયા દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. એફ.એસ.એલ. ટીમની મદદથી સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કર્યા બાદ પોલીસ દ્વારા મૃતકના ભાઈ રામદે જીવણભાઈ ગોરાણીયા તથા મૃતકના જેઠ કાના નાગાભાઈ મોઢવાડિયા નામના બે શખ્સોને આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ મૃતક સુમરીબેનના ચારિત્ર્ય ઉપર શંકાના આધારે ગત તારીખ ૨૧મીના તેણીના માથામાં લોખંડનો સળીયો ફટકારી દેતા ઘા જીવલેણ બની ગયો હતો અને લોહી લોહાણ હાલતમાં ઘટના સ્થળે જ તેણીએ દમ તોડી દીધો હતો. આ હત્યા નિપજાવ્યા બાદ આરોપી શખ્સોએ તેણીએ પહેરેલા કપડા, ગોદડા, સગે વગે કરી નાખી પુરાવાઓનો નાશ કર્યા બાદ તેણી હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી હોવાનું જણાવી અને અંતિમ વિધિ કરી નાખી હતી. પોણા બે વર્ષ પૂર્વે મૃતક સુમરીબેનના પતિ સામતભાઈ તથા આશરે દોઢેક માસ પૂર્વે તેણીનો પુત્ર અવસાન પામ્યા બાદ ઘણા સમયથી તેઓ એકલા રહેતા હતા. ભૂમિબેનના મોટા બાપુ કાનાભાઈ તથા ભૂમિબેનના મામા રામદેવભાઈની પોલીસે અટકાયત કરી, બંનેને રિમાન્ડ અર્થે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવશે.

