Gujarat

નડિયાદમાં અકસ્માતમાં એકના એક દિકરાએ જીવ ગુમાવતા પરિવારમાં સન્નાટો

નડિયાદ
મહેમદાવાદ પંથકમાં એક્સપ્રેસ હાઈવે પર બે અકસ્માત અને નડિયાદ પાસે એક અકસ્માત મળી કુલ ૩ અકસ્માતના બનાવમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. બનેલા આ ૩ જૂદા જૂદા અકસ્માતમાં કોઈએ પોતાના સુહાગને ગુમાવ્યો છે કોઈએ પોતાના દીકરાને ગુમાવ્યો છે, કોઈએ પોતાના ભાઈને ગુમાવ્યો છે, તો કોઈએ પોતાના ઘડપણના સથવારાને ગુમાવ્યો છે. નડિયાદ પાસે નવા બિલોદરા ગણપતિ મંદિરથી મંજીપુરા ચોકડી વચ્ચે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં મૂળ બિહારના અને નડિયાદ જાનકીપાર્કમા સ્થાઈ થયેલા તથા વર્ષોથી અમદાવાદ રેલવેમાં સી.એમ.ડબલ્યુ કાંકરિયામા ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મનોજકુમાર રામપ્રસાદ રામના ૨૦ વર્ષીય પુત્ર અનિકેતનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. અનિકેત પોતે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર અમદાવાદ કોલેજમાં અભ્યાસ કરે છે અને દરરોજ તેઓના પિતાનું જ્યુપિટર નંબર (જીજે-૦૧-ઝેડ-૫૮૯૦) ચલાવીને નડિયાદ રેલવે સ્ટેશન સુધી જાય છે, આ બાદ ત્યાંથી બાઈ ટ્રેન મારફતે અમદાવાદ પહોંચે છે. અનિકેત ઉપરોક્ત જ્યુપિટર ચલાવીને નડિયાદ રેલવે સ્ટેશનથી પોતાના ઘર તરફ આવતો હતો. ત્યારે આશરે નવા બિલોદરા ગણપતિ મંદિરથી મંજીપુરા ચોકડી વચ્ચે અવધ કોમ્પ્લેક્સ પાસે કોઈ અજાણ્યા વાહને અનિકેતના જ્યુપિટર વાહને ટક્કર મારી ફરાર થયો હતો. અનિકેત વહન સાથે જ રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જેના કારણે અનિકેતનુ સ્થળ ઉપર જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. અકસ્માતની જાણ મનોજકુમાર રામને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નડિયાદ ગ્રામ્ય પોલીસે મનોજકુમાર રામની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે આ અકસ્માતમાં મરણજનાર અનિકેત મનોજકુમારનો એકનો એક પુત્ર તેમજ બે બહેનો વચ્ચે લાડકવાયો એકનો એક ભાઇ હતો. આમ આ પરિવારે મોભીએ ઘડપણ અવસ્થાનો એક માત્ર સહારો આ દિકરો ગુમાવ્યો છે. આથી પરિવારમાં હૈયાફાટ આક્રંદ જાેવા મળી રહ્યો છે.ખેડા જિલ્લામાં દિવસ કાળમુખો દિવસ બન્યો હતો. મહેમદાવાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જૂદા જૂદા બે અકસ્માતોમાં ચાર લોકોના મોતથી હાઈવે કંપી ઊઠ્‌યો હતો. તો નડિયાદ પાસે પણ હિટ એન્ડ રનની ઘટનામાં આશાસ્પદ યુવાનનુ મોત થયું છે. આમ આ કાળા દિવસ દરમિયાન ત્રણ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. નડિયાદ પાસે સર્જાયેલા આ હિટ એન્ડ રનના બનાવમાં એકનો એક આશાસ્પદ દીકરો માતા-પિતાએ ગુમાવ્યો છે. તો બીજી બાજુ બે બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ અકસ્માતમાં મોતને ભેટતા પરિવારમા ભારે ગમગીની છવાઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *