રાજકોટ
રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર ૪માં રહેતા નિવૃત્ત શિક્ષિકાએ પોતાની પુત્રવધુ સામે ઘરમાં ગેરકાયદે ઘૂસી, તાળા તોડી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી અજબાઇબેન નારણભાઈ રાઠોડ (ઉ.વ ૭૩) નામના વૃદ્ધાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાની પુત્રવધુ કૃતિનું નામ આપ્યું છે. વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ અગાઉ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. હાલ નિવૃત્તિનું જીવન પસાર કરે છે.વર્ષ ૨૦૦૯માં તેમના પુત્ર પાર્થના લગ્ન રાજકોટ રહેતા દાનસિંગભાઈ ડોડીયાની પુત્રી કૃતિ સાથે થયા હતા. બાદમાં બંને વચ્ચે અણબનાવ થતા ૨૦૧૨માં કૃતિ ઘર છોડી જતી રહી હતી અને ૨૦૧૪ માં તેણે ભરણપોષણ અંગેનો કોર્ટમાં કેસ કર્યો હતો અને માસિક રૂ.૧૦ હજાર ભરણપોષણ નક્કી થયું હતું. જે ફરિયાદીનો પુત્ર નિયમિત રીતે ચૂકવે છે. એ દરમિયાન અજબાઇબેન આફ્રિકા કોલોનીમાં રહેતી તેમની પુત્રી સેજલના ઘરે હતા ત્યારે તેમના પુત્ર પાર્થનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કૃતિ આપણા ઘરમાં તાળું તોડીને ઘૂસી ગઈ છે. જેથી અજબાઇબેન અને તેમની દીકરી ઘરે આવતા તાળા તૂટેલા હતા અને કૃતિ અંદર હોય બાદમાં કૃતિને આ બાબતે પૂછતા તેણે અજબાઇબેનને ધક્કો મારી કહ્યું હતું કે, ‘તું અહીંયા મને નહીં રહેવા દે તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત ગત તા.૩૦/૬ના રોજ પણ કૃતિ તથા તેના માવતર પક્ષના સભ્યો અહીં ઘરમાં ઘૂસી આવ્યા હતા. મકાનમાં દરવાજાના તાળા તોડી રૂ.૧ હજારનું નુકસાન કર્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે તેની પુત્રવધુ કૃતિ સામે આઈપીસીની કલમ ૪૨૫, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


