પાટણ
પાટણમાં જૈન સંપ્રદાયનાં પાવન અને પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ ચૂકયો છે. આ મહાપર્વએ અહિંસાનો સંદેશ આપતો હોવાથી આ નવ દિવસ પાટણમાં માંસાહારની દુકાનો લારીઓ અને કતલખાનાં બંધ રહે તે માટે પાટણનાં જૈન સંઘોએ અગાઉ પાટણનાં વહીવટીતંત્રને આવેદનપત્રો આપી જાહેરનામું બહાર પાડવા માટે રજૂઆતો કરી હતી. છતાં આ પ્રકારનો પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં નહીં આવતા જૈન સમાજમાં રોષ જાેવા મળી રહ્યો છે. ફરી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી અને પાટણ નગરપાલિકા ખાતે જૈન સમાજના આગેવાનો રજૂઆત કરવા માટે ગયા હતા. નગરપાલિકા ખાતે જૈન અગ્રણીઓની સાથે ગુજરાત પ્રદેશ ભાજપનાં મહામંત્રી કે.સી. પટેલ પણ આ અંગે રજૂઆત કરવા માટે આવ્યાં હતાં. શહેરમાં કતલખાનાં બંધ રાખવા માટે વહીવટીતંત્રએ જાહેરનામું બહાર નહીં પાડતાં ફરી એકવાર રેલ્વે સ્ટેશન પરનાં પેટ્રોલપંપ ખાતે જૈન અગ્રણીઓએ એકઠા થઇને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા જવાનું નક્કી કરાયું હતું. આ અંગે જૈન અગ્રણી પંકજ વેલાણીએ જણાવ્યું હતું કે, પાટણનાં જૈન સંઘનાં શ્રાવકોએ કતલખાનાં બંધ રાખવાની રજૂઆત માટે મહેનત કરી છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઇ સહકાર મળ્યો નથી. બે દિવસથી કતલખાના ચાલી રહ્યા છે. તેઓ આ અંગે કડક અમલ કરાવે તે માટે રજૂઆત કરી છે.


