બારડોલી
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે બાતમી આધારે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ૫.૬૭ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. જાેકે વિદેશીદારૂનો જથ્થો ગોડાઉનમાં ભરી રાખનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા એલ.સી.બીનાં પી.આઈ કે.જે.ઘડુક તથા અ.હે.કો ચિરાગભાઈ જયંતીલાલને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની સીમમાં ગોકુળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પરેશ પટેલના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે સંતાડી રાખેલ છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી ગોડાઉનમાં સંતાડેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૭૩૯૨ જેની કિંમત રૂપિયા ૫,૬૭,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગોડાઉન ભાડે રાખી વિદેશીદારૂનો જથ્થો સંતાડનાર સિદ્ધાર્થ રામલત યાદવને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

