અમદાવાદ
થોડા દિવસો પહેલાં જ જારી કરવામાં આવેલ પીએસઆઈ ભરતીની પરીક્ષાના પરિણામને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયું છે. જે મામલે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. વિષયની ગંભીરતાને જાેતા હવે વેકેશન બેન્ચ સમક્ષ આ મામલે સુનવણી હાથ ધરવામાં આવશે. પ્રીલિમ પરીક્ષાના પરિણામ સામે વિરોધ નોંધાવતા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ નથી કરાયો. ઉમેદવારોની માંગ છે જીપીએસસી પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે એસટી, એસસી ઓબીસી અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જાેઇએ. પરંતુ તેમ નથી કરવામાં આવ્યું. આમ કરવાની જગ્યાએ ભરતી બોર્ડ તમામ કેટેગરી મળી ૩ ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૬ માર્ચ ૨૦૨૨ ના રોજ પીએસઆઈની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી. કુલ ૧૩૮૨ જગ્યા માટે ૮૮,૮૮૦ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલા પરિણામમાં ૪૩૧૧ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય જાહેર થયા છે.રાજ્યમાં જાહેર થયેલ પીએસઆઈ ભરતીના પરિણામના વિવાદ મામલે હાઈકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટીસ પાઠવી છે. તે ઉપરાંત વિષયની ગંભીરતાને જાેતા આગામી ૧૧ મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટ સમક્ષ આ સિવાય અન્ય બે અરજી કરવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે એક્સ આર્મીમેનને ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે પણ થઈ અરજી કરાઇ છે. આ ત્રણેય અરજી મામલે એક સાથે સુનવણી હાથ ધરવામાં આવશે.
