Gujarat

બોધકથા..મનનું દર્પણ

એક ગુરૂકૂળના આચાર્ય પોતાના શિષ્યની સેવાથી ઘણા જ પ્રભાવિત થાય છે અને વિદ્યાભ્યાસ પૂર્ણ થયા બાદ જ્યારે શિષ્ય વિદાય લેવા માટે ગુરૂજી પાસે જાય છે ત્યારે ગુરૂજી આર્શિવાદના રૂપમાં એક દર્પણ આપે છે.આ કોઇ સાધારણ દર્પણ નહોતું.આ દિવ્ય દર્પણમાં કોઇપણ વ્યક્તિના મનના ભાવ દર્શાવવાની ક્ષમતા હતી.શિષ્ય ગુરૂજીના આ આર્શિવાદના રૂપે મળેલ દર્પણથી ઘણો પ્રસન્ન હતો.તેને વિચાર્યું કે ઘેર જતાં પહેલાં આ દિવ્ય દર્પણની ચકાસણી કરી લઉં.પરીક્ષા લેવાની ઉતાવળમાં દર્પણને ગુરૂજી તરફ ધરે છે તો તેને ઘણી જ નવાઇ લાગે છે.દર્પણ બતાવી રહ્યું હતું કે ગુરૂજીના હ્રદયમાં મોહ,અહંકાર,ક્રોધ..વગેરે દુર્ગુણો સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા.

શિષ્ય વિચાર કરે છે કે મારા આદર્શ એવા મારા ગુરૂજીમાં ઘણા બધા અવગુણ ભરેલા છે તેમ વિચારી તે ઘણો જ દુઃખી થાય છે.દુઃખી મને તે દર્પણ પોતાની સાથે લઇને ગુરૂકૂળથી ઘેર જવા રવાના થાય છે પરંતુ સમગ્ર માર્ગ દરમ્યાન તેને એક જ વિચાર આવે છે કે જે ગુરૂજીને હું તમામ દુર્ગુણોથી રહીત એક આદર્શ પુરૂષ સમજતો હતો પરંતુ દર્પણે તો મને બીજું કંઇક જુદું જ બતાવ્યું છે.હવે તેના હાથમાં બીજાઓને પરખવાનું યંત્ર આવી ગયું હતું એટલે તેને જે કોઇ મળે તેની પરીક્ષા લેતો હતો.તેને પોતાના અનેક ઇષ્ટમિત્રો તથા પરિચિતોની સામે દર્પણ રાખીને તેમની પરીક્ષા કરી હતી. તમામના હ્રદયમાં તેને કોઇને કોઇ દુર્ગુણ જોવા મળતો હતો અને તેથી તે દુઃખી મનથી વિચાર કરતો હતો કે સંસારમાં તમામ લોકો આટલા બધા ખરાબ કેમ થઇ ગયા છે?

ઘેર પહોંચીને પ્રથમ પોતાના માતા-પિતાની ચરણવંદના કરે છે.તેના માતા-પિતાની સમાજમાં બહુ મોટી પ્રતિષ્ઠા હતી.તેની માતાને તો લોકો સાક્ષાત દેવતૂલ્ય સમજી ચરણવંદના કરતા હતા.તેને વિચાર કર્યો કે આ દર્પણથી મારા માતા-પિતાની પરીક્ષા કરી જોઉં.તેને દર્પણ પોતાના માતાપિતા તરફ રાખ્યું તો તેને માતાપિતામાં પણ અનેક દુર્ગુણ જોવા મળે છે.ત્યારે તે મનથી વિચાર કરે છે કે આ જગતમાં કોઇ પુર્ણ નથી,તમામમાં થોડાઘણા અંશે દુર્ગુણો હોય છે.હવે આ શિષ્યના મનની બેચેની ઘણી જ વધી જાય છે.છેવટે બેચેન મનથી દર્પણ લઇને તે ગુરૂજીના આશ્રમમાં જઇને ગુરૂજીની સમક્ષ ઉપસ્થિત થાય છે. ગુરૂજી તો તેના આવવાના કારણોની ખબર પડી જાય છે.શિષ્યે આવીને પોતાના ગુરૂજીને વિનમ્રતાથી કહ્યું કે..ગુરૂદેવ ! મેં આપના આપેલા દર્પણની મદદથી જોયું તો આ જગતના તમામ મનુષ્યોમાં અલગ અલગ પ્રકારના અનેક દોષો જોવા મળ્યા.અત્યાર સુધી મને દોષરહિત એકપણ મનુષ્ય જોવા મળ્યો નથી. સ્વયં આપનામાં અને મારા માતાપિતામાં પણ મેં દોષોનો ભંડાર જોયો છે તેનાથી મારૂં મન અતિશય વ્યાકુળ થયું છે.

ગુરૂજી હસ્યા અને તેમને દર્પણ શિષ્યની તરફ રાખ્યું.શિષ્ય તો દંગ રહી ગયો.તેના મનના પ્રત્યેક ખુણામાં રાગ-દ્રેષ,અહંકાર,ક્રોધ જેવા અનેક દુર્ગુણો ભરેલા જોવા મળ્યા.મનમાં ક્યાંય તેને નિર્મળતા જોવા ના મળી.ગુરૂજી કહે છે કે બેટા..આ દર્પણ મેં તને બીજાના દુર્ગુણો શોધવા માટે નહી પરંતુ તારા પોતાના દુર્ગુણોને જોઇને જીવનમાં સુધારો લાવવા માટે આપ્યું હતું.જેટલો સમય તેં બીજાઓના દુર્ગુણો જોવામાં પસાર કર્યો એટલો સમય જો તે તારા પોતાના સુધારા માટે લગાવ્યો હોત તો અત્યાર સુધી તારા વ્યક્તિત્વમાં ઘણો જ સુધારો થઇ ગયો હોત.

વાસ્તવમાં મન સ્વરૂ૫થી સત્વપ્રધાન હોવાથી સ્વરૂ૫થી શુદ્ધ છે પરંતુ અહંતા-મમતાના કારણે તેને ઘોર રજોગુણ ઘેરી લે છે ૫છી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા માંડે છે.નિરંતર તે ગુણોનું ચિંતન થાય છે તેનાથી કામના ઉત્પન્ન થાય છે અને બુદ્ધિ દૂષિત થાય છે.આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્દિયો ૫રનો કાબૂ ગુમાવી બેસે છે.કામનાઓના વશમાં થઇને તથા રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્ય એવાં કર્મોમાં ફસાઇ જાય છે કે જેનું ૫રીણામ માત્ર દુઃખ જ દુઃખ છે.બધા જ વિષયોમાંથી મનને સારી રીતે ખેંચી લેવાથી નિર્વિષય બનેલું મન ૫રમાત્મામાં દ્દઢતાથી સ્થિર થઇ જાય છે.દુનિયા મનને અસ્થિર કરતી નથી એ તો અમે પોતે બીજાઓનો પ્રભાવ ગ્રહણ કરીને પોતાની સ્થિતિ બદલી લઇએ છીએ.અમારે યાદ રાખવું જોઇએ કે મન વિચારોનું નામ છે.જો અમારા વિચારો શુધ્ધ અને ૫વિત્ર છે અને અમોને તેના ઉ૫ર દ્રઢ વિશ્વાસ છે તો ૫છી તે હલી શકતા નથી.

મનને વશમાં કરવું તેને આત્મવિનિગ્રહ કહે છે.મનમાં બે ચીજો પેદા થાય છેઃસ્ફુરણા અને સંકલ્પ.સ્ફુરણા અનેક પ્રકારની હોય છે અને તે આવતી જતી રહે છે પરંતુ જે સ્ફુરણામાં મન ચોંટી જાય છે,જેને મન પકડી લે છે તે સંકલ્પ બની જાય છે.સંકલ્પોમાં બે ચીજો રહે છેઃરાગ અને દ્રેષ.આ બંન્નેના લીધે મનમાં ચિંતન થાય છે.સ્ફુ્રણા તો દર્પણના દ્રશ્ય જેવી હોય છે પરંતુ સંકલ્પ કેમેરાની ફિલ્મના જેવો હોય છે જે દ્રશ્યને પકડી લે છે.મનને વારંવાર ધ્યેયમાં લગાડવાથી સ્ફુરણાઓ નષ્ટ થાય છે અને વૈરાગ્યથી એટલે કે કોઇ વસ્તુ,વ્યક્ત કે પદાર્થમાં રાગ કે મહત્વ ના રહેવાથી સંકલ્પો નષ્ટ થાય છે.આ રીતે અભ્યાસ અને વૈરાગ્યથી મન વશમાં થઇ જાય છે.(ગીતાઃ૬/૩૫)

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *