દક્ષિણ ઝોનના નિરીક્ષકની અધ્યક્ષતામાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ
ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી લડવા ઇચ્છુક કોંગી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસના દક્ષિણ ઝોનના નિરીક્ષક બી.એમ.સંદીપની અધ્યક્ષતામાં ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભરૂચ જિલ્લા વિધાનસભાની ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, વાગરા અને જંબુસર 5 બેઠકો માટે 100 થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડવા ઉત્સુકતા સાથે પોતાની દાવેદારી નોંધાવી હતી.
નિરીક્ષક બી.એમ.સંદીપે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વિધાનસભા બેઠક દીઠ 5 થી 50 ઉમેદવારો ચૂંટણી લડવા ઇચ્છુક છે. આજે ભરૂચમાં વન ટુ વન તમામ ઉમેદવારના સેન્સ લેવામાં આવ્યાં હતા. તેઓની ચૂંટણીને લઈ તૈયારી શું છે, કઈ રીતે ચૂંટણી લડશે અને જીતશે તેની વિગતો તેમજ બાયોડેટા એકત્ર કરાયા છે.
કોંગ્રેસના સાઉથ ગુજરાતના પ્રભારીએ ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયનું કામ આખા દેશ માટે કરાય છે તેવા પણ ગંભીર આક્ષેપો લગાવ્યાં હતા. ગાંધી અને સરદારના ગુજરાતનું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે તેમ કહી વધુમાં આ વખતે ગુજરાતમાં BJPને જીતવાનો આત્મવિશ્વાસ ન હોય વારંવાર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આવી રહ્યા છે તેવો પણ કટાક્ષ કર્યો હતો.
ગુજરાતની ચૂંટણી બાદ સમગ્ર દેશની રાજનીતિ બદલાઈ જશે તેમ અંતમાં તેમણે કહી આ વખતે કોંગ્રેસ જીતશે તેવો મત વ્યક્ત કર્યો હતો. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, આગેવાન સંદીપ માંગરોલા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.


