નડિયાદ
મહેમદાવાદ શહેરના ખ્રિસ્તી સોસાયટી પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ઉષાબેન કિશોરભાઈ દેવીપૂજક પોતાના પતિ કિશોરભાઈ સાથે જુના કાપડની ફેરી કરી ગુજરાન ચલાવે છે. આ દંપતિ ગઈકાલે બુધવારે મહેમદાવાદના આસપાસના ગામોમાં ફેરી કરી પરત મહેમદાવાદ ફર્યુ હતું. બસ સ્ટેશન નજીક ગલ્લા સામે આ દંપતિ બેઠાબેઠા અત્યારે જમવાનું શું બનાવવું તે બાબતે ચર્ચા કરતાં હતા. દરમિયાન એકદમ આક્રોશમાં આવી ચૂકેલા કિશોરભાઈ પોતાની પત્નીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આથી ઉપરોક્ત વિસ્તારમાં રહેતા ચેતન ભાઈલાલભાઈ પરમારને લાગ્યું કે મને અપશબ્દો બોલે છે. તેથી ચેતને કિશોરભાઈ સાથે ઝઘડો કર્યો હતો. “તું મને ગાળો કેમ બોલે છે” તેમ કહી ચેતન કિશોરભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. આથી ઉષાબેન વચ્ચે છોડાવવા પડતાં વધુ ઉશ્કેરાયેલા ચેતને પોતાના પાસે રહેલા ચપ્પા વડે કિશોરભાઈ પર હુમલો કર્યો હતો. કિશોરભાઈને ગળાના ભાગે ચપ્પુ વાગી જતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારબાદ હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો. જેથી આસપાસના લોકોએ ઘવાયેલા કિશોરભાઈને નડિયાદ ખાતે તુરંત પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં કિશોરભાઈ અર્ધબેભાન હાલતમાં છે. આ બનાવ સંદર્ભે ઉષાબેન દેવીપૂજકે ઉપરોક્ત હુમલો કરનાર ચેતન પરમાર સામે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૦૭, ૫૦૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહેમદાવાદમાં જમવાનું બનાવવા બાબતે પતિ-પત્નીની વચ્ચે ચાલતી તકરારમાં અન્ય વ્યક્તિએ અપશબ્દો બોલવાનો વહેમ રાખી પતિ ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા વ્યક્તિને તુરંત સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવ સંદર્ભે મહિલાએ હુમલો કરનારા વ્યક્તિ સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
