જિલ્લા કલેકટર શ્રી રચિત રાજ મધરાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થા ભવન ખાતેના કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા. તેમણે તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓને મોક કોલ કરી તેમની મદદ માટેની સતર્કતાને તપાસી હતી.
કલેકટરશ્રી રચિત રાજ સહિતના અધિકારીઓએ જૂનાગઢ શહેર, વંથલી અને માંગરોળ ખાતેના કંટ્રોલરૂમમાં મોક કોલ કર્યા હતા. જેમાં તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ ફરજ પરના અધિકારીઓને કર્મચારીઓને દર્દી બનીને મેડિકલ ઈમરજન્સી, વધુ પાણી ભરાઈ ગયેલું હોવાનું અને વિકટ પરિસ્થિતિ મદદ માટેની જરૂરિયાત હોવાનો મોક કોલ કર્યા હતા. તેના પ્રત્યુત્તરમાં ફરજ પર હાજર કર્મીઓએ ત્વરિત માર્ગદર્શન આપવાની સાથે તાત્કાલિક રાહત-બચાવ કામગીરી માટે તેવી તૈયારી દર્શાવી હતી.
આમ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા જોવા મળી હતી સાથે જ તંત્ર સતર્ક હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
કલેક્ટરશ્રીની જિલ્લા કન્ટ્રોલ રૂમ ખાતેની આ મુલાકાત દરમિયાન આસિસ્ટંટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી. બાંભણીયા, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

