Gujarat

રાજકોટમાં લોકડાયરામાં રૂપિયાનો વરસાદ વરસી પડ્યો

રાજકોટ
રીબડા ગામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતાં લોકો મન મૂકીને વરસ્યા હતા. લોકડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઊડતા ચારેતરફ રૂપિયા જ રૂપિયા જાેવા મળ્યા હતા તેમજ ભાજપના નેતાઓ પર પણ ૧૦૦ અને ૫૦૦ની નોટો વરસાદ થયો હતો. સ્ટેજ અને આસપાસની જગ્યામાં નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા જાેવા મળ્યા હતા. રીબડામાં લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતના કલાકારોએ લોકગીત, ભજન, દેશભક્તિનાં ગીત, લોકસાહિત્ય પીરસી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. બીજી તરફ, લોકોએ પણ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. એટલા રૂપિયા ઊડ્યા કે સ્ટેજ પર ૨૦, ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટના થર જામી ગયા હતા. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે ૨૬ મે સુધી શ્રીમદ્‌ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ભાઈશ્રીની કથાનું શ્રવણ કરવા ગોંડલ અને રાજકોટ આસપાસનાં ગામડાંમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. આ કથામાં ૨૩ મેને શ્રીમદ્‌ ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો તેમજ આજે મંગળવારે ગોવર્ધન પૂજા અને ૨૫ મેને બુધવારના રોજ રુક્મિણી વિવાહ પ્રસંગ યોજાશે. રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત કથા મહોત્સવ દરમિયાન સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત મહોત્સવમાં તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Rupees-flew-in-the-ribbons.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *