રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં ૨૨.૩૭ કરોડ રૂપિયાના કામોના ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે જેમાં બે મોટા બ્રિજ અને પાણીની લાઈન નવી નાંખવાનું આયોજન છે. અત્યાર સુધી મનપાની શાખાઓએ મનફાવે તે રીતે કામ કર્યા અને જેવું નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું એટલે પોતાના ભાગે આવતા વર્ષના કામો પૂરા કરવા માટે દોડાદોડી કરીને ચાલુ કામોના બિલ ફટાફટ મુકવાના ચાલુ કર્યા છે આ કારણે સૌથી વધારે ચૂકવણા છેલ્લા બે માસમાં થશે. હાલ મનપાએ અલગ અલગ ૧૫ ટેન્ડર બહાર પાડ્યા છે જેમાં સૌથી મોટું કામ મોટામવા અને શહેરને જાેડતા નદી પરના નાના બ્રિજને પહોળા કરવાનું છે અને તેની પાછળ ૯.૬૩ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે જ્યારે વોર્ડ નં. ૪માં પણ ટી.પી. રોડ પર બ્રિજ બનાવવાનો છે તેમાં ૧.૮૨ કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત કોટેચા ચોકથી આત્મીય યુનિવર્સિટી સુધીમાં તેમજ પુનિતનગર ૮૦ ફૂટ રોડમાં નવી લાઈન નાખવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે પણ તે સતત ચોથો પ્રયાસ છે. આ જ રીતે વોર્ડ નં. ૧૮ની વોર્ડ ઓફિસ પણ રીટેન્ડર છે જ્યારે સોલાર રૂફ ટોપ માટે બીજાે પ્રયાસ છે, મનપાના વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં અધધ ૧૪૭૬.૨૮ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ અંદાજવામાં આવ્યો હતો જેમાં મનપાનું જે મુખ્ય કામ છે તે નવા રસ્તા માટે ૮૪ કરોડ, ૧૨૪ કરોડના ડ્રેનેજના કામ અને પુરવઠા પાછળ ૧૭૦ અને રોશની માટે ૨૯ કરોડ સહિત માત્ર રસ્તા, પાણી, ગટર અને રોશની માટે જ ૪૦૭ કરોડ રૂપિયા ખર્ચવાના હતા પણ ૩૧ ડિસેમ્બરની સ્થિતિએ આખા બજેટમાંથી ૪૦૬ કરોડ રૂપિયાનો જ મૂડી ખર્ચ થયો છે. સુધારેલા બજેટમાં મુડીખર્ચ ઘટાડીને ૧૦૭૮.૫૬ કરોડ નક્કી કરાયો છે જેમાંથી ૪૦૬ કરોડ ખર્ચાઈ જતા હવે ૬૭૨ કરોડનો લક્ષ્યાંક મનપાએ રાખ્યો છે. જાે કે બે માસમાં આ લક્ષ્યાંક પણ પૂરો થશે નહીં અને કુલ મુડીખર્ચ ૮૫૦ કરોડની આસપાસ રહેવાની શક્યતા છે. કામ ધીમા ચાલવા અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, નવા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે કવાયત થશે. નવા એસ્ટિમેટ તૈયાર કરવા માટે ૧૫ દિવસનો સમય અપાશે અને ત્યારબાદ વર્કઓર્ડરનું કામ કરાશે. આ રીતે તબક્કાવાર કામ હાથમાં લઈ સમયસર પૂરા થશે એટલે નવા બજેટમાં જે કામો નક્કી થયા છે તે બધા સમયસર પૂરા થશે.


