માર્ચ બુધવારથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો થશે પ્રારંભ
જામનગર તા.૨૮ ફેબ્રુઆરી,ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન-૨૦૨૨માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ દ્વારા તા.૦૨/૦૩/૨૦૨૨થી તા. ૩૧/૦૩/૨૦૨૨ સુધી કરવામાં આવશે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭–૧૨, ૮-અની નકલ,ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામ બેંક ખાતાની વિગત જેમકે બેંક પાસબુકની નકલ અથવા કેંસલ ચેકની નકલ નોંધણી માટે સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોય આમાટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ-૨,જામનગરની યાદી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
નોંધણી કરાવતી વખતે તમામ આધાર-પુરાવા સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તેમને જાણ કરી શકાશે નહીં તેની ખાસ નોંધ લેવી. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નં. ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
દિવ્યા ત્રિવેદી
