વડોદરા
વડોદરા મહાનગર સેવા સદનના વહીવટી વોર્ડ નંબર ૫ અને ઈલેક્શન વોર્ડ નંબર ૧૩માં સમાવિષ્ટ નવાપુરા ,ગોદડિયાવાસ અને રબારી વાસમાં છેલ્લા ઘણા સમયથી પીવાના દૂષિત પાણીની સમસ્યા હતી. પાલિકા તંત્ર દ્વારા વિસ્તારમાં તમામ ડ્રેનેજ ચેમ્બરો ખોલી તપાસ કરતા સંખ્યા બંધ દેશી દારૂની પોટલીઓની ખાલી કોથળીઓનો જથ્થો નીકળતા સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સહિત પાલિકાના કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. વડોદરા શહેરમાં સમાવિષ્ટ નવાપુરા વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. આ બાબતે સ્થાનિક રહીશો સહિત વિસ્તારના કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું ન હતું. ક્યાં કારણોસર આ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે. તેનો ફોલ્ટ શોધવા સ્માર્ટ એન્જિનિયરો પણ નિષ્ફળ નીવડ્યા હતા. દરમિયાન આ ફોલ્ટ શોધવાનું બીડું સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ઝડપ્યું હતું. અને આજે તેઓ પાલિકાના કર્મચારીઓને સાથે રાખી નવાપુરા ગોદડિયા વાસ અને રબારી વાસમાં ડ્રેનેજ ચેમ્બરો ખોલી તપાસ કરી હતી. ચેરમેનની તપાસમાં ડ્રેનેજના ચેમ્બરોમાંથી જળ કરતા જથ્થાબંધ દેશી દારૂની ખાલી પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓ નીકળતા હાજર અધિકારીઓ અને કર્મચારીઓ ચોકી ઉઠ્યાં હતા. ગટરોમાંથી દેશી દારૂની આટલી મોટી સંખ્યામાં ખાલી પોટલીઓ મળી આવતા નવાપુરા દેશી દારૂમાં હબ બન્યું હોય તેમ ફલિત થાય છે. જ્યારે બીજી તરફ નવાપુરા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી હતી. આ અંગે સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે નવાપુરા વિસ્તારના સ્થાનિકોને ખરાબ દુષણથી દુર રહેવા અપીલ પણ કરી હતી. તેમજ આ વિસ્તારમાં આ દુષણને નાથવા આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ વિસ્તારમાં દુષિત પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવશે. તેવી હૈયાધારણ આપી હતી.વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતીના ચેરમેને વહિવટી વોર્ડ નંબર ૫માં સમાવિષ્ટ નવાપુરા વિસ્તારમા દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે ગયેલા સ્થાયી સમિતીના ચેરમેને ડ્રેનેજના ચેમ્બરમાંથી દેશી દારૂની પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓનો જથ્થો બહાર કાઢ્યો હતો. કોર્પોરેશનના અન્જિનિયરોની પોલ તથા નવાપુરા વિસ્તારમાં વેચાણ થઇ રહેલા દેશી દારૂની પોલ ખોલી હતી.


