વડોદરા
શેરખી આશાપુરી માતાના મંદિર નજીક રહીને ખેતમજુરી કરતા રાજુબેન નીતિનભાઈ જાદવ (૩૦)ની ફરિયાદ અનુસાર, તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. શેરખી ગામના ભગવાનસિંહ ગોપાલસિંહ પરમારના ગાયત્રી ફાર્મની સામેના ખેતરને છેલ્લા ચાર મહિનાથી ફરિયાદીના પરિવારે ખેડવા માટે રાખ્યું હતું. આ જ ખેતરમાં ફરિયાદી અને તેમના પતિ નીતીનભાઈ તખતસિંહ જાદવ (૪૦) તેમજ ત્રણ બાળકો અને સાસુ તેજુબેન સાથે રહેતા હતાં. ૨૧ મેના રોજ સાંજના સાડા સાત વાગે પરિવાર ઓરડીની બહાર ખાટલો નાખી બેઠા હતા. આ દરમિયાન ખેતરની બાજુમાં આવેલા બીજા ખેતરમાં રહેતો સુનિલ ઉર્ફે ભંપો નાનજીભાઈ ચૌહાણ તેની બાઈક પર બીજા ત્રણ યુવકો જયેશભાઈ રમેશભાઈ ચૌહાણ, રોનક રણજીતભાઈ ચૌહાણ અને અજય ગણપતભાઈ ગોહિલ (ત્રણેય રહે-પીરોદનગર, શેરખી)ને બેસાડીને આવ્યો હતો. ચારેય યુવકો ફરિયાદીના ખેતરમાં ટોળુ વળીને બેસી ખાતા હતાં. નીતિનભાઈએ તેમના દીકરાઓ ડરતા હોવાથી તે યુવકોને જતા રહેવા જણાવ્યું હતું. પરંતું યુવકો ગયા ન હતાં. એટલે થોડીવાર બાદ નીતીનભાઈ તેમની પત્નિ અને સાસુએ રાત્રે સાડા નવ વાગે ફરીથી તેમને જવા માટે કહેતા સુનિલે ઝઘડો કરીને નિતીનભાઈની ફેટ પકડીને ઝપાઝપી કરી નીતીનભાઈના ગુપ્ત ભાગે પગથી લાતો મારતાં તેઓ જમીન પર પડી બેભાન થઈ ગયા હતાં. આ ઘટના બાદ ચારેય યુવકો બાઈક પર બેસી ભાગી ગયા હતાં. નીતિનભાઈએ કાંઈ હલનચલન ન કરતા તેમને ગોત્રી હોસ્પિટલમાં લઈ જતા તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતાં. આ ઘટના બાદ રાજુબેન જાદવે પોતાના પતિના મોત મામલે તાલુકા પોલીસ મથકમાં સુનિલ ઉર્ફે ભંપો નાનજીભાઈ ચૌહાણ, જયેશભાઈ રમેશભાઈ ચૌહાણ, રોનક રણજીતભાઈ ચૌહાણ અને અજય ગણપતભાઈ ગોહિલ વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.ખેતરમાં ટોળુ વળીને બેઠેલા ચાર યુવકોને જતા રહેવા જણાવતા ખેતમજુરને યુવકોએ ગુપ્તભાગે લાત મારતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ખેતમજૂરના ત્રણ દીકરાએ બાપની છત્રછાયા ગુમાવી દીધી છે. જ્યારે તાલુકા પોલીસે ચારેય યુવકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


