સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો સાવરકુંડલા શહેરમાં કેળવણી ક્ષેત્રે જેનું અનોખું સ્થાન છે એવા પ્રતાપભાઈ ખુમાણ એટલે પત્રકાર જગતનું એક અનોખું વ્યક્તિત્વ. સાવરકુંડલા શહેરનાં શૈક્ષણિક જગતમાં સનરાઈઝ શાળા સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી અને સાવરકુંડલા શહેરમાં આવેલાં સૂર્યોદય પેટ્રોલ પંપનાં માલિક, ખૂબજ ઊંચી સાહિત્યિક સમજ ધરાવતાં પ્રતાપભાઈ સ્વભાવે નમ્ર અને વિવેકી છે. શિક્ષણ જગતમાં શૈક્ષણિક અભિગમની એક અનોખી સૂઝ ધરાવતાં હોય લોકોમાં પણ બહોળી લોકપ્રિયતા ધરાવે છે. છેવાડાંનાં માનવીને પણ ખૂબ વ્યાજબી ફીમાં શિક્ષણ મળી રહે એ માટે સદૈવ પ્રયત્નશીલ રહે છે. વિદ્યાર્થી જગતની મુશ્કેલીઓથી પણ ખૂબ સારી રીતે વાકેફ હોવાથી વિદ્યાર્થી જગતમાં પણ એક પિતાતુલ્ય સ્થાન ધરાવે છે. અને કદાચ વિદ્યાર્થીઓ વ્હાલથી તેને “બાપુસર” તરીકે પણ ઓળખે છે. શૈક્ષણિક હીરને પારખવાની તેની સમજ પણ ખરેખર કાબિલેતારીફ છે
આ સાથે સાહિત્યમાં પણ ખૂબ જ ઊંડી રૂચિ ધરાવતાં હોવાથી સાહિત્ય જગતનાં રસિકોમાં પણ અદકેરું સ્થાન ધરાવે છે. બહારથી કઠોર દેખાતાં અંદરથી ઋજુ સ્વભાવનાં હોવાથી વિદ્યાર્થીજગત સાથે તો એટલાં ઓતપ્રોત થઈ જાય છે કે એક વખત તેમની સનરાઈઝ શાળા સંકુલમાં વિદ્યાર્થીએ પ્રવેશ મેળવે એટલે બાપુસરની અમીદ્રષ્ટિ તો તેઓ પ્રત્યે સતત વરસતી રહેતી જોવા મળે છે . એટલે જ કદાચ અહીંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ્યારે આ સરસ્વતી સાધકો આગળ અભ્યાસાર્થે બહાર જાય છે ત્યારે ત્યાં પણ બાપુસરે સિંચેલાં શિક્ષણ સંસ્કારનું એક અનોખું ઓજસ પાથરતાં જોવા મળે છે.આમ તો વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસ પણ આ શાળામાં નોંધપાત્ર હોય છે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સમાજમાં એક જવાબદાર નાગરિકનું નિર્માણ એ જ તેમની શાળાનો મુદ્રાલેખ છે. આમ પણ એમના બાળકો પ્રત્યેના માયાળું વ્યવહારથી સમગ્ર વિદ્યાર્થી જગતના હ્રદયમાં પણ અદકેરું સ્થાન ધરાવે છે. અને “કન્યા કેળવણીનાં” પણ તેઓ પ્રખર હિમાયતી છે. વળી ગરીબ અને વંચિત બાળકોને પોતાની શાળામાં વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરવા માટેની તેમની પ્રતિબધ્ધતા પણ નોંધનીય છે. તેઓશ્રીનું જીવન સુખમય, તંદુરસ્ત દીર્ઘાયુ અને સમાજનાં શૈક્ષણિક જગતમાં સદૈવ મહત્ત્વપૂર્ણ યોગદાન આપતું રહે તેવી શુભેચ્છાઓનો અવિરત ધોધ વહ્યી રહ્યો છે એ જ એમના વ્યક્તિત્વની પ્રમાણભૂતતા કહી શકાય.
