Gujarat

સાવરકુંડલા શહેરમા ઉનાળાએ એનો અસલી મિજાજનો પરિચય આપ્યો. ચૈત્રના દનૈયા ધોમ તપતાં લોકો અને પશુ પક્ષીઓ આ અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા. 

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં પ્રખર ગરમી વચ્ચે ઉનાળાએ એનો અસલી મિજાજનો પરચો આપ્યો. હજુ પણ તાપમાન ૪૨ ડીગ્રી ઉપર જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આમ તો સામાન્ય રીતે ઉનાળો અને એમાં પણ આ ચૈત્ર માસના દનૈયાનાં  પ્રખર તાપ વચ્ચે લોકો ગરમીથી બચવા પંખા, કુલર, એ. સી. નો સહારો લેતાં જોવા મળે છે. આવા ધોમધખતાં તાપમાન વચ્ચે ખરી દયનીય હાલત તો રસ્તે રઝળતાં પશુઓ અને પક્ષીઓની થઈ રહી હોય છે. લોકો તો આ પ્રખર તાપમાન વચ્ચે પોતાની ઓફિસ, શોપ કે ફેક્ટરી કે ઘરમાં પંખા કે એ.સી. ચાલુ કરી ગરમીથી રાહત મેળવવા માટે કોશિશ કરતાં જોવા મળે છે. વળી આ સમય દરમિયાન લોકો ઠંડા પીણાં, લચ્છી, છાશ, શેરડીનો રસ, આઈસક્રીમ, બરફના ગોળા કે ઠંડા કરેલા તરબુચ આરોગીને પણ ગરમીથી રાહત મેળવતાં જોવા મળે છે. પરંતુ આ બળબળતા બપોરે પણ ખુલ્લા આકાશ નીચે પાથરણા પાથરીને રોજીરોટી રળતાં એ લોકોની હાલત ખરેખર કફોડી જોવા મળે છે. એવી જ રીતે ઉપર આભ અને નીચે ધરતી જેની વિહારભૂમિ છે એવાં રસ્તે રઝળતાં પશુઓની હાલત પણ આ સમય દરમિયાન ખરેખર દયનીય છે. એમાં પણ આ તોકતે વાવાઝોડા બાદ અનેક વૃક્ષો ધરાશાયી થતાં થોડી ઘણી વૃક્ષોની શિતળ છાંયડી હતી તે પણ હાલ નથી જોવા મળતી.. પક્ષીઓની સ્થિતિ પણ આ કપરાં ધોમધખતાં તાપમાન ખરેખર ખૂબ જ કફોડી બની છે. બદલતાં પર્યાવરણની પેટર્ન હવે સમગ્ર માનવજગત તો ઠીક પરંતુ આ મૂંગા અબોલ પશુ પક્ષીઓ પર પણ પડી રહી છે. અતિ ગરમી પડવાથી જંગલમાં રહેતા પ્રાણીઓના ખોરાક પણ થોડા ઘટી ગયેલા હોય છે જ્યાં લોકો બૂટ કે ચપ્પલ પહેરીને પણ ચાલવામાં મુશ્કેલી પડતી હોય છે ત્યાં આ ધોમધખતાં તાપમાન વચ્ચે બિચારા મૂંગા અબોલ પશુઓ ખુલ્લા પગે પાણીની તલાશ માટે નીકળેલા આમતેમ પાણીની તલાશમાં ભટકતા જોવા મળે છે. રખે ને કોઈ છાયડાની છાયા મળી જાય એટલે એને મન તો એજ ફાઈવ સ્ટાર એ. સી.. પરંતુ કમબખ્ત આ કપરાં તાપમાં એવું સ્થાન પણ ભાગ્યે જ મળે..આ પ્રખર ગરમીમાં આબાલ વૃધ્ધ સૌ કોઈ પરેશાન છે.. એમાં પણ મૂંગા અબોલ પશુઓ અને પક્ષીઓની તો વાત જ ન પુછો.. કદાચ મનમાં ને મનમાં એ હિન્દી પંક્તિ  દુનિયા બનાને વાલે ક્યા તેરે મનમેં સમાઈ તૂને  કાહેકો દુનિયા બનાઈ એવો આર્તનાદ પણ પોકારી ઉઠયા હશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *