૧૦૮ સેવાનું સુરક્ષિત માતૃત્વનું અભય વચન
જિલ્લાની જુદી-જુદી બે ઘટનાઓમાં માર્ગ પર જ તત્કાલ પ્રસૂતિ કરાવી માતા તથા નવજાત શીશુઓ માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ એમ્બ્યુલન્સ
પોરબંદરના જોખમી સગર્ભા મહિલા ગીતાબેન અને તેના જોડીયા બાળકોના જામનગર ૧૦૮ એ મધરાતે જીવ બચાવ્યા
જામનગર તા.૦૭ એપ્રિલ, રાજ્યની ૧૦૮ એમ્બ્યુલેન્સ સેવા લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ૧૦૮ ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ. કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચી જઈને મહામુલા માનવ જીવ બચાવની કામગીરી કરનાર ૧૦૮ ની સેવા ખરેખર અભૂતપૂર્વ છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે. ત્યારે જામનગર જિલ્લામાં એક જ દિવસમાં ઘટેલી બે ઘટનાઓમાં માતાઓ તથા નવજાત શીશુઓ માટે જામનગરની ૧૦૮ સેવા દેવદૂત સમાન સાબિત થઈ છે.
જેમાં પ્રથમ ઘટનામાં પોરબંદર જિલ્લાના બળેજા ગામના ગીતાબેન ઉનાવાને ૬ મહિને પ્રસૂતિનો તિવ્ર દુ:ખાવો શરૂ થયેલ જેથી તેઓ પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા ગયેલ પરંતુ દર્દીની ગંભીર સ્થિતી જોતા પોરબંદર ખાતે પ્રસૂતિ થઈ શકે તેમ ન હોય તેઓને જામનગર ખાતે રિફર કરવામાં આવેલ. પોરબંદરથી જામનગર આવતા રસ્તામાં જ ગીતાબેનને પ્રસૂતિનો તિવ્ર દુ:ખાવો શરૂ થયેલ અને તેઓના સગા દ્વારા રાત્રે ૧૦૮ જામનગરને કોલ કરેલ. કોલ મળતાની સાથે જ ૧૦૮ એમ્બ્યુલન્સ રવાના થઈ હતી અને ચેલા ગામ પાસે બન્ને એમ્બ્યુલન્સનો ભેટો થઈ ગયેલ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. રાજુ સોલંકીએ મહિલાની તપાસ કરતા જણાંયુ કે તેઓની તાત્કાલીક પ્રસૂતિ કરાવવી પડે તેમ છે જેથી ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર ૧૦૮ ની ટીમે ગીતાબેનની માર્ગ પર જ પ્રસૂતિ કરાવી હતી અને તેમને બે જોડિયા બાળકોને સુરક્ષિત જન્મ આપ્યો હતો. અધુરા માસે જન્મ થયો હોય આ બન્ને બાળકોની હાલત ગંભીર હતી જેથી તાત્કાલીક ઈ.એમ.ટી. રાજુ સોલંકી તથા પાઈલોટ શ્રી અનિરુધ્ધસિંહ દ્વારા તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડી માતા તેમજ બાળકોના જીવ બચાવવાની પ્રસંશનીય કામગીરી બજાવી હતી.
જ્યારે એ જ દિવસે ઘટેલી બીજી આવી જ એક ઘટનામાં સિક્કાના ૨૪ વર્ષીય રૂકસાનાબેનને પ્રસૂતિનો દુ:ખાવો શરૂ થયો હતો. જેથી તેઓએ જામનગર સિવિલ હોસ્પિટલ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરેલ. કોલ મળતાની સાથે જ ૧૦૮ તાત્કાલીક ઘટના સ્થળે પોહચી હતી અને દર્દીનું ચેકઅપ કર્યુ હતુ. તપાસ દરમ્યાન દર્દીને દુખાવો થતો હોવાથી તાત્કાલીક તેઓને એમ્બ્યુલન્સમાં લઇ જામનગર જવા નીકળ્યા હતા જ્યાં રસ્તામાં દર્દીને અસહ્ય દુ:ખાવો શરૂ થતા એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવી પડે તેમ હોય રસ્તામાં જ એમ્બ્યુલન્સ ઉભી રાખી અને ઈ.મે.ટી. રાહુલ ઝાલા, કેર એમ્બેસેડર ભાવેશ રામ તથા પાઈલોટ દેવાંગ વાઘેલાએ મહિલાની તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ મહિલાને બાળકીનો જન્મ થયો હતો. આ નવજાત બાળકીને ગરદન ફરતે નાળ વિટળાયેલ હોવાથી પ્રસૂતિ ખુબ જ કઠિન હતી. ત્યારે ૧૦૮ ના સ્ટાફે સુજ બુજ અને સાવધાની પૂર્વક સમયસર બાળકીના ગળે વિટળાયેલી નાળ દુર કરી સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. માતાને પહેલાથી જ લોહીની ઉણપ હતી તેમજ માતાનુ ઓક્સિજન લેવલ પણ ઓછુ હતુ. સતત લોહી વહી જવાથી પ્રસૂતાની હાલાત ગંભીર બની હતી જેથી ૧૦૮ ના ફરજ પરના સ્ટાફે સ્થળ પરથી જ સ્ત્રી રોગ નિષ્ણાંત તેમજ ફીઝીસીયન સાથે વાત કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યુ હતુ અને માતા તથા બાળકને યોગ્ય પ્રિ-હોસ્પિટલ કેર આપી તાત્કાલીક જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે ખસેડાયા હતા.
આમ, ૧૦૮ની ત્વરિત અને તાત્કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્યું હતું તો સાથે-સાથે જોખમી માતાને પણ પ્રસૂતિની અસહ્ય પીડામાંથી મુક્તિ મળી હતી. આમ, ૧૦૮ની સેવાને લીધે બે માતાઓ તથા ત્રણ નવજાત શીશુઓનો જીવ બચાવી શકાયો હતો.
આમ, સરકારની નિઃશૂલ્ક ૧૦૮ એમ્બ્યુલસ સેવા એક કોલ પર ત્વરીત મળી રહે છે જે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સહકાર સાથે અનેક લોકોના જીવ બચાવી ખરા અર્થમાં માતામૃત્યુ દર અને બાળમુત્યુ દર ઘટાડવામાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે.જિલ્લાની કોઈ પણ મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવાં માટે તાલીમબદ્ધ કર્મચારીઓથી સુસજ્જ એવી જામનગર જિલ્લાની ૧૦૮ ની સેવા હંમેશા તત્પર અને કટિબદ્ધ રહે છે તેમ ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર શ્રી બીપીનભાઈ ભેટારીયા, ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી જયદેવસિંહ જાડેજા તથા પ્રતિક જાદવે જણાવ્યું હતું.


