નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે. ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા કોળી પટેલ સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે. સમાજના લોકો દ્વારા છેલ્લા 100 વર્ષથી માતાજીના પ્રતિકરૂપે શ્રીફળનું સ્થાપન કરીને નવ દિવસ આરાધના કરવામાં આવે છે.
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. આ દિવસો દરમિયાન માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવે છે. ગુજરાતમાં માતાજીના પ્રતિક રૂપે ગરબીની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજના રોજાસા પરિવાર દ્વારા અનોખી રીતે માતાજીની ભક્તિ કરવામાં આવે છે. અંકલેશ્વરમાં વસતા 90થી વધુ રોજાસા પરિવાર દ્વારા આસો નવરાત્રીના પ્રથમ દિવસે શ્રીફળની માતાજીના પ્રતિકરૂપે સ્થાપના કરવામાં આવે છે. અત્યંત ભક્તિભાવપૂર્વક શ્રીફળની નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે.
સમાજના સભ્યોના દાવા અનુસાર આ શ્રીફળ 100 વર્ષ જૂના છે અને દર વર્ષે તેનું જ સ્થાપન કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ બાદ આ શ્રીફળને એક કપડામાં બાંધી તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવામાં આવે છે. માતાજીના પ્રતિક સમાન શ્રીફળના દર્શન માટે ભક્તો પધારે છે અને સુખી જીવનની કામના પણ કરે છે.
Attachments area


