અમદાવાદ
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો હતો. કપરાડામાં ૨૪ કલાકમાં ૧૨ ઈંચ, ધરમપુરમાં ૮, પારડીમાં ૪, વાપીમાં ૫.૫ ઈંચ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરારશ ૨૭.૬૯ ટકા સુધી વરસાદ વરસ્યો છે. રાજ્યના ૧૨ તાલુકામાં ૦થી બે ઈંચ સધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૬૯ તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યના ૮૮ તાલુકાઓમાં સિઝનનો પાંચથી ૧૦ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. વળી, કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૫૨૧.૮૪ ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ છે. બે દિવસમાં વરસાદનુ જાેર ઘટશે.રાજ્યમાં ચોમાસુ શરુ થયા પછી આખરે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા. ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા ઘણી જગ્યાએ ભૂવા પડી ગયા હતા. શાહીબાગ, અખબારનગર, પરિમલ અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરમાં મોસમનો કુલ વરસાદ બપોરે ચાર કલાક સુધીમાં ૫.૧૫ ઈંચ નોંધાયો હતો. દક્ષિણ-પાકિસ્તાન અને કચ્છના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સીસ્ટમ સક્રિય થઇ છે, જેની અસરોથી શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં શુક્રવારે બપોરે ખાબકેલા વરસાદમાં તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ઘણી જગ્યાએ સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંડરપાસમાં લગભગ બે ફૂટ જેટલુ પાણી ભરાઈ ગયુ હતુ જેના નિકાલ બાદ ફરીથી ખોલવામાં આવ્યા હતા. વરસાદી પાણીમાં ઘણી જગ્યાએ વાહનો ફસાઈ ગયા હતા. ગુરુકુળ અને મેટ્રો રેલના સમગ્ર રુટ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા. માધુપુરા બજાર તળાવમાં ફેરવાઈ ગયુ હતુ. અમદાવાદ જિલ્લામાં શુક્રવારે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વિરમગામમાં ૩૦ મિમી, ધંધૂકામાં ૧૨ મિમી, ધોળકામાં ૧૫ મિમી, દેત્રોજમાં ૧૪ મિમી, દસક્રોઈમાં ૧૬ મિમી, ધોલેરામાં ૨ મિમી, બાવળા, માંડલ, સાણંદમાં ૧૧ મિમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષ પણ પડી ગયા હતા. ભયજનક મકાનો અંગેની ફરિયાદો પણ મ્યુનિસિપલ તંત્રને મળી હતી. સમગ્ર રાજ્યની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ થયો છે. ખાસ કરીને કચ્છમાં મેઘો મહેરબાન થયો હતો. નખત્રાણા, લખપત, અબડાસા તાલુકામાં વરસાદ વધ્યો છે. કચ્છમાં ગઈકાલથી આજે વહેલી સવાર સુધીમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે. લખપતમાં ૧૧ ઈંચ, નખત્રાણામાં ૭ ઈંચ વરસાદ વરસ્યો છે. અબડાસામાં નદી-નાળા છલકાઈ ગયા તેમજ તળાવોમાં પણ જળસ્તર વધ્યુ છે. વલસાડના કપરાડામાં પણ ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો છે.


