અમરેલી
અમરેલીના લાઠી તાલુકાના લુવારીયામા રહેતા વૃધ્ધાને તેના પુત્રએ ૧૫ વિઘા જમીન તેના નામે કરી દેવાનુ કહી બોલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. અહી રહેતા રમજુબેન મંગળુભાઇ ખુમાણ (ઉ.વ.૬૦) નામના વૃધ્ધાએ લાઠી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમને સંતાનમા બે દિકરા અને એક દીકરી છે. તેઓ ઘરે હતા ત્યારે તેમનો મોટો દીકરો પ્રતાપ આવ્યો હતો. પ્રતાપે આવીને કહેલ કે તમારી પાસે ૩૦ વિઘા જમીન છે તેમાથી અડધી ૧૫ વિઘા જમીન મારા નામે કરી આપો. જેથી રમજુબેને તેને કહેલ કે આપણી જમીન સંયુકતમા હોય જેથી જયારે શિવરાજ અને ગીતાબેનના નામે થશે ત્યારે તારા નામે જમીન કરી આપીશ. જેથી તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો આપી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી.


