ભરૂચ
નાનપણથી જ ક્રિકેટર થવાનું સ્વપ્ન અંકલેશ્વરના કશ્યપ પ્રજાપતિએ સેવ્યું હતું. આ યુવાનને નોકરીમાં કોઈ રસ ન હતો. ગુજરાત અંડર ૧૯ અને ૨૩માં તેને સ્ટેટ લેવલે પણ પોતાની પ્રતિભા બતાવી હતી. જાેકે, પ્લેટફોર્મ નહિ મળતા અને કારકિર્દી આગળ ધપતિ ન દેખાતા કશ્યપ ઓમાન જતો રહ્યો હતો. ઓમાનની ક્રિકેટ ટીમનો અંકલેશ્વરનો કશ્યપ સ્ટાર બેટ્સમેન બની ગયો છે. હાલમાં જ આઈ.સી.સી.ની લીગ બે સિરીઝમાં કશ્યપએ અમેરિકાની ટીમ સામે ૧૧૫ બોલમાં ૮ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૦૩ રન ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી સદી નોંધાવી છે. ઓમાને કશ્યપના ૧૦૩ રનની મદદથી ૪ વિકેટે ૨૮૦ રન ૫૦ ઓવરમાં નોંધાવ્યા હતા. જેની સામે યુ.એસ.એ.ની ટીમ ૯ વિકેટે ૨૬૭ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓમાન કશ્યપને તેનો મિત્ર લઈ ગયો હતો. આજે તે અંકલેશ્વર ઘરે પરત આવતા માતા-પિતા અને પરિવાર ખુશીથી ગદગદિત થઈ ગયો હતો. પિતા હરિશભાઈએ ગર્વ સાથે કહ્યું હતું કે, આજે મને લોકો કશ્યપના પિતા તરીકે ઓળખે છે. જેનાથી મારી ખુશીનો પાર રહેતો નથી. આગામી સમયમાં કશ્યપની ઈચ્છા ઇન્ડિયા સામે ઇન્ટરનેશનલ મેચ ઓમાનની ટીમ વતી રમવાની છે.


