આણંદ
આણંદના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતી અને ગાંધીનગર પરણાવેલી યુવતીએ સીઝરીયેનને કારણે ટાંકા પાકી જતાં મટશે નહીં, તેમ માની કંટાળીને બે દિવસ અગાઉ મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. દરમિયાન, તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. આ મામલે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠ તાલુકાના લાલપુરા બ્રિજ પાસેથી મહીસાગર નદીમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ ઉમરેઠ પોલીસને કરવામાં આવતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મૃતક યુવતી ૨૫ વર્ષીય સુમિત્રા ઉર્ફે કામી ભલાભાઈ ઝાલા અને તે સુંદલપુરા ખાતે રહેતી હોવાનું ખૂલ્યું હતું. વર્ષ ૨૦૧૭માં યુવતીના લગ્ન ગાંધીનગર ખાતે રહેતા દેવેન્દ્રસિંહ વાઘેલા સાથે થયા હતા. બે મહિના પહેલાં તેમના ઘરે પુત્રી અવતરી હતી. તેની પ્રસુતિ સીઝરથી કરાવી હોઈ તેના ટાંકા પાકી ગયા હતા. તે મટશે નહીં તેમ માનીને છેલ્લાં કેટલાંય સમયથી તેણી ટેન્શનમાં રહેતી હતી. ગત ૧૮મીએ પુત્રીને ઘરે મૂકીને પરિવારજનોને કંઈ પણ કહ્યા વિના તે ક્યાંક જતી રહી હતી. પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. ત્યારબાદ નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં ઉમરેઠ પોલીસે સમગ્ર બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


