અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી અધિકારીશ્રીએ તમામ પક્ષોના પ્રતિનિધિઓને આચારસંહિતા, ખર્ચ નિયંત્રણ, ઉમેદવારી પત્રક, વિવિધ પરવાનગી અંગે સિંગલ વિન્ડો સિસ્ટમ તેમજ રાજકીય પક્ષોને આપવાની થતી વિગતો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને ઉમેર્યુ હતું કે, જિલ્લા ચૂંટણી તંત્ર ભારતના ચૂંટણી આયોગની સીધી દેખરેખ હેઠળ આ ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થશે. ઉપરાંત રાજકીય પક્ષોની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના હસ્તે ઈવીએમ-વીવીપેટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ રાજકિય પક્ષોના પ્રતિનિધિઓને પેઈડ ન્યૂઝ, ચૂંટણીના ચોપાનીયા કે ભીંતપત્રો વગેરેના છાપકામ, ઉમેદવારના ચૂંટણી ખર્ચ-બેન્ક એકાઉન્ટ, આદર્શ આચાર સંહિતા, ઉમેદવારી પત્રો ભરતી વખતે રજુ કરવાના સોગંદનામા,ઉમેદવારી પત્ર સાથે એફીડેવીટ રજુ કરવામાં આવે તે વિશે તેમજ ઉમેદવારીપત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જાણકારી આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનો, સભા-સરઘસ, રેલી વગેરે માટે પરવાનગી મેળવી શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત છે અને ઈવીએમ-વીવીપેટનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઈઝેશન થયા બાદ મશીનોની ફાળવણી જિલ્લાના વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓને કરવામાં આવશે. તેમજ ચૂંટણી સંબંધિત ઉમેદવારોના ખર્ચની મર્યાદા અને ખર્ચ પર દેખરેખ અંગેની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
