ધારાસભ્ય પુંજાભાઇ વંશે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી.
ઉનાના મૂળ ગરાળ અને હાલ દાંડી ગામના રહીશ કાળુભાઈ વિરાભાઈ શિયાળ માછીમારીનો વ્યવસાય કરતા હતા. બે વર્ષ પહેલાં પોરબંદરની ગંગાસાગર બોટમાં માછીમારી માટે ગયા બાદ તેઓની પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. અને પાકિસ્તાનના કરાંચી ખાતે લાડી જેલમાં રાખવામાં આવેલ જ્યાં તેઓનું ગત તા. ૬ જુલાઇ ૨૦૨૨ના રોજ અવસાન થયા અંગેનો પત્ર પરિવારજનોને પ્રાપ્ત થયેલ છે. અને પત્રમાં અન્ય ૨૦ માછીમાર ભાઈઓ પણ બિમાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેના કારણે આ માછીમાર ભાઈઓના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. અવસાન પામેલ માછીમાર કાળુભાઈ શિયાળનો મૃતદેહ વતન પરત લાવવા તથા બિમાર માછીમાર ભાઈઓની તબિયત અંગે તપાસ કરવી અત્યંત જરૂરી છે. આ બાબતે ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે જરૂરી સંકલન કરી અવસાન પામેલ માછીમાર કાળુભાઈ શિયાળનો મૃતદેહ માદરે વતન લાવવા તથા બિમાર માછીમાર ભાઈઓની તબિયત અંગે સત્વરે તપાસ થવા અને થયેલ કાર્યવાહીની તેઓના પરિવારોને જાણ કરવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય પુંજાભાઇ વંશે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજુઆત કરી હતી.
