વડોદરા
દિલ્હીના વેપારીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ૪૨ લાખ રૂપિયા પડાવી લઇ જીવતા રહેવું હોય તો ૩૦ લાખની ખંડણી માગી ખૂનની ધમકી આપનારી ટોળકીના ૧ શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ભૂજ જઇને દબોચી લીધો હતો. કેસના માસ્ટર માઇન્ડ અને તાંદલજામાં રહેતા ઇલિયાસ ઉર્ફે વિકીના ઘેર પોલીસે દરોડા પાડી સર્ચ ઓપરેશન કર્યું હતું, પણ ઇલિયાસ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. વિકીએ કર્ણાટક-રાજસ્થાનના વેપારી પાસે ૨ કરોડ પડાવ્યા હતા. ઇલિયાસના ઘેર ચારે બાજુ સીસીટીવી કેમેરા લગાવાયેલા પોલીસને જાેવા મળ્યા હતા. પોલીસે ઇલિયાસ સહિત ૪ની શોધખોળ યથાવત્ રાખી હતી.દિલ્હીમાં રેતીનો વેપાર કરનારા સુરેશ રામજશ સિંઘાનિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં અલી મહંમદ ઉર્ફે હાજી નુર મહમદ સોઢા (ભૂજ), ઇલિયાસ ઉર્ફે વિકીખાન સિરાજખાન અજમેરી (તાંદલજા) તથા સલીમ, જયેશ અને કસ્ટમ ઓફિસર કાદર સામે ફરિયાદ નોંધાવી હતી. સસ્તામાં સોના આપવાની વાત મળતાં તેઓ તેમના મિત્ર દ્વારા વડોદરા આવીને ઇલિયાસ ઉર્ફે વિકીને મળ્યા હતા. તેઓ ઇલિયાસને અકોટા સબ રજિસ્ટ્રાર કચેરી પાછળ કિસન રેસિડેન્સીમાં તેની ઓફિસે મળ્યા હતા. જ્યાં ઇલિયાસે સસ્તામાં સોનું આપવાની લાલચ આપતાં તેમણે વિશ્વાસ મૂકીને ૪ લાખમાં સોનું લીધું હતું. તેમણે ૭.૫૦ લાખ આંગડિયામાં મોકલ્યા હતા. ત્યારબાદ તે ફરી વડોદરા આવી એમિટી હોટલમાં રોકાયા હતા બીજા દિવસે તેમણે ઇલિયાસને ૧ લાખ આપ્યા હતા, સામે ઇલિયાસે તેમને ૫૦૦ ગ્રામની લગડી આપી હતી અને ૨૩.૫૦ લાખ પછી મોકલજાે તેવું કહ્યું હતું. જેથી તેમણે દિલ્હી જઇ ફરીથી આંગડિયામાં ૨૩.૫૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ તે ફરી વડોદરા આવ્યા હતા. ઇલિયાસે ૫ કિલો સોનું આપવાની લાલચ આપતાં તેમણે તેને ૧ લાખ આપ્યા હતા. જાેકે તે પછી ૫ કિલોના બદલે ૧ કિલો મળશે, તેમ ઇલિયાસે કહીને ૧૦ લાખ આપવા જણાવ્યું હતું. તેઓ ઇલિયાસના કહેવા મુજબ કસ્ટમ ઓફિસરને મળતાં ઓફિસરે તેને ૧ કિલોના બદલે ૫૦૦ ગ્રામ સોનું આપ્યું હતું અને તેમણે ૧૦ લાખ તેને આપ્યા હતા. વેપારીએ વધારાના ૪૨ લાખ વધુ ચૂકવ્યા હતા. જાેકે ઇલિયાસે વાયદા કર્યા હતા. તે પછી તેને કચ્છના માંડવી લઇ જઇ હાજીને મળાવ્યો હતો. હાજીએ પૈસાની માગ કરી હતી. હાજીએ તેમની પાસે ધમકી આપી ખંડણી સ્વરૂપે ૩૦ લાખ વસૂલ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.એ. જાડેજાએ તપાસ કરીને ભૂજ જઇને હાજી નુરમહમદ સોઢા ઉર્ફે અલી અહમદને પકડી લીધો હતો. ઇલિયાસ ઉર્ફે વિકીએ જુલાઇ-૨૦૨૧માં બેંગ્લોરના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી તેની સાથે દોઢ કરોડ રૂપિયાની ઠગાઇ કરી હતી. ગત ઓક્ટોબર માસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બેંગ્લોર પોલીસને સાથે રાખીને ઇલિયાસ સીરાજખાન પઠાણ (રહે.તૈયબા રેસીડેન્સી, તાંદલજા)ને ઓપી રોડ પર રિલાયન્સ મોલ પાસેથી બાતમીથી ઝડપી લીધો હતો. ઇલિયાસની તપાસમાં ૨૦૧૯માં તેણે રાજસ્થાનના વેપારીને ૨ કિલો સોનું આપવાની લાલચ આપી ૫૫ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું પણ બહાર આવ્યું હતું. ઇલિયાસને ૨૦૧૦માં વડોદરા પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં પણ ઝડપી પાડ્યો હતો. વેપારીને કસ્ટમ ઓફિસર તરીકે મળેલો કાદર નામનો શખ્સ પોલીસના હાથે પકડાયેલા નુરમહંમદ હાજીનો પુત્ર છે અને તેથી ભૂજ પોલીસ પણ તેની શોધખોળ કરી રહી છે. કાદર સાથે રહેલા સલીમ અને જયેશ નામના શખ્સોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
