ખંભાત
ખંભાત તાલુકાના નગરા ગામ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી અમરસિંહ ઝાલાની અધ્યક્ષતામાં મદદનીશ ચૂંટણી અધિકારી એન.વી.સોલંકી, જે.કે.પરમાર, એસ.એન.ચુનારાની ઉપસ્થિતિમાં નગરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વિધિવત પ્રક્રિયા હેઠળ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ ૨૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ૧૧ સભ્યો સાથે ૨૦ વર્ષથી દૂધ મંડળીમાં ચેરમેન રહી ચૂકેલા સુનિલભાઈ પટેલે પેનલ મેદાનમાં ઉતારી હતી. જ્યારે સામે પક્ષે નવા ઉમેદવાર દેવેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ભગાભાઈએ ૧૧ સભ્યોની પેનલની ચૂંટણી થઈ હતી. અપક્ષમાંથી ૧ સભ્યે ઉમેદવારીએ નોંધાવી હતી. ૬૭૬ મતદારોમાંથી ૬૩૧ મતદારોએ મતદાન કર્યું હતું. મતદારોએ કરેલા મતદાન બાદ ચૂંટણીનું પરિણામ જાહેર કરાતા દૂધ મંડળીમાં નવા ઉમદેવાર દેવેન્દ્રભાઈ પટેલની એકતા પેનલને ‘ઘડા’ ભરીને મતો મળતા તેઓની પેનલના ૧૦ સભ્યોનો બહુમતીના જાેરે વિજય થયો છે. જ્યારે ૨૦ વર્ષથી દૂધ મંડળીમાં ચેરમેન રહી ચૂકેલા સુનિલભાઈ પટેલની પેનલની ‘પતંગ’ કપાતા કારમો પરાજય થયો છે. જાે કે હવે નવા ઉમદેવારની એકતા પેનલને મતો આપી ચૂંટી લાવતા આગામી સમયમાં નગરા દૂધ મંડળીનું સુકાન સંભાળશે. વિજયી ઉમેદવારોને સમર્થકો, આગેવાનો, ગ્રામજનો દ્વારા પુષ્પાહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ મોટી સંખ્યામાં યુવાઓ-સમર્થકોએ અબીલ ગુલાલ ઉડાડી ઢોલ-નગરાના તાલે ઝૂમી વિજ્યોત્સવ મનાવ્યો હતો. નગરા દૂધ ઉત્પાદક મંડળીની ચૂંટણીમાં નવા ઉમદેવારો દેવેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ભગાભાઈની એકતા પેનલમાંથી ઘડાના નિશાન સાથે અનુસૂચિત જનજાતિ બેઠક પર નગીનભાઈ આશાભાઈ વણકર- ૩૧૯ મતો, સ્ત્રી અનામત બેઠક પર દક્ષાબેન વલ્લભભાઈ પટેલ – ૩૨૩, અરુણાબેન હર્ષદભાઈ પટેલ – ૩૨૪, સામાન્ય બેઠક પરથી જયેશભાઈ મોતીભાઈ ભરવાડ – ૨૭૩, દેવેન્દ્રભાઈ મનહરભાઈ પટેલ – ૩૦૫, નટવરભાઈ ઈશ્વરભાઈ સોલંકી – ૨૫૪, ભરતભાઈ શંકરભાઈ રબારી – ૨૫૯, મનહરભાઈ અંબાલાલ પટેલ – ૨૭૯, મિલનકુમાર જીવણભાઈ પટેલ – ૨૯૭, અશ્વિનભાઈ ચીમનભાઈ પટેલ – ૨૭૧ મતો મળતા ૧૧ સભ્યો પૈકી ૧૦ સભ્યોનો વિજય થયો હતો. જ્યારે પતંગ નિશાન પર ચૂંટણી લડી રહેલા સુનિલભાઈ પટેલની પેનલમાંથી ૧૦ સભ્યોનો કારમો પરાજય થયો હતો. મહત્વનું છે કે, મતદારો પરિવર્તન તરફ વળતા ૨૦ વર્ષથી ચેરમેન રહી ચૂકેલા અને ૪ ટર્મથી સરપંચ રહી ચૂકેલા સુનિલભાઈ પટેલનો કારમો પરાજય થયો છે. મતદારોએ અમારી એકતા પેનલના સભ્યો પર વિશ્વાસ રાખી ‘ઘડા’ ભરીને મતો આપ્યા છે. તે બદલ અમો સૌ મતદારોના આભારી છીએ. આ અમારો વિજય નથી સૌ સભાસદોનો વિજય છે. દરેક સભાસદ દૂધ મંડળીનો રાજા છે. અમે સૌ સભાસદોના પ્રશ્નો-સમસ્યાઓને નિરાકરણ અર્થે ખડેપગે રહીશું. સભાસદોના સંકટ સમયે ખભેથી ખભા મિલાવી ઉભા રહીશું. અમો દૂધ મંડળીનું સ્પષ્ટ, પારદર્શી, સુવ્યવસ્થિત વહીવટ-સંચાલન કરીશું.


