Gujarat

ગાંધીનગરના છાલા હાઇવે પર ઈકો કારમાંથી ૬૧૩ નંગ દારૂ – બિયરનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર
ગાંધીનગરના છાલા હાઇવે રોડ પરથી પૂર્વ બાતમીના આધારે ચીલોડા પોલીસે ઈકો કારમાંથી ૬૧૩ નંગ દારૂ – બિયરનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ. ૩.૬૭ લાખનો મુદામાલ જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અંધારાનો લાભ ઉઠાવી એક ઈસમ નાટયાત્મક રીતે નાસી જવામાં સફળ રહ્યો હતો. ગાંધીનગરનાં છાલા હાઇવે રોડ પરથી ઈકો કારમાં વિદેશી દારૂની હેરફેર થવાની બાતમી મળતાં ચીલોડા પોલીસે ખાનગી વાહનોમાં મોતીપુરા ગામ તરફથી આવતા એપ્રોચ રોડ ઉપર છાલા ગામની સીમમા થોડા થોડા અંતરે વોચમાં ગોઠવી દીધી હતી. ત્યારે મોતીપુરા તરફથી બાતમી મુજબની ગાડી આવતાં ટોર્ચ લાઈટથી રોકાવા ઈશારો કરવામાં આવ્યો હતો. ઈકો કારના ચાલકે થોડેક આગળ જઈને ગાડીને રોકી દીધી હતી. ત્યારે થોડા થોડા અંતરે પોલીસ વોચમાં ઉભી હોવા છતાં ઈકો કારમાંથી બે ઈસમો ભાગવા લાગ્યા હતા. આથી પોલીસે દોટ મૂકીને એકને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક ઈસમ નાટયાત્મક રીતે અંધારાનો લાભ ઉઠાવીને પોલીસને હાથતાળી આપીને નાસી જવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લઈ અંદરથી વિદેશી દારૂની ૩૮૩ નંગ બોટલો તેમજ ૨૩૦ નંગ બિયરના ટીન શોધી કાઢ્યા હતા. જેનાં પગલે પકડેલા ઈસમની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ધવલ દીપકભાઇ અસારી (ઉ.વ.૨૨ રહે.ભુતાવડ કલાસવા ફળીયુ તા. ભીલોડા જી.અરવલ્લી) તેમજ નાસી ગયેલા ઈસમનું નામ સંદીપ ઉર્ફે રોકી નીનામા (રહે. ધોલવાની ગામ ભિલોડા) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઉક્ત દારૂનો જથ્થો ભિલોડા ભૂતવાડાના રોહિત ખરાડી નામના ઈસમે રાજસ્થાન પાલીસોડા બોર્ડર થી ગાડીમાં ભરી આપ્યો હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેની ડીલીવરી અમદાવાદ કરવાની હતી. આથી પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી કુલ રૂ. ૩.૬૭ લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *