Gujarat

ગાંધીનગરમાં ઘેટા બકરાની જેમ બાળકોને લઈને બેફામ દોડતી સ્કૂલવાને યુવાનનો ભોગ લીધો

ગાંધીનગર
ગાંધીનગરમાં ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડીને દોડતા સ્કૂલ વાનના ચાલકે જલ્દી પહોંચવાની ઉતાવળમાં પોતાની વાન પૂરપાટ ઝડપે હંકારી ચ – ૬ સર્કલથી સેકટર – ૨૯ કટ નજીક બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત થયા પછી પણ વાનના ચાલક બાળકો ભરેલી વાન લઈને ભાગ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત આશાસ્પદ યુવાનનું સ્થળ પર મોત થયું હતું. જાે કે રાહદારીઓએ પીછો કરતાં બાળકો સાથેની વાન રેઢિયાળ મૂકીને ડ્રાઇવર નાસી જતાં બાળકોએ ચીસાચીસ કરી રોકકળ કરી મૂકી હતી. ત્યારે રાહદારીઓએ ડ્રાઈવરને પકડી પાડયો હતો. આ અંગે સેકટર – ૨૧ પોલીસ કઈ સ્કૂલ વાન છે તેની તપાસ કરી રહી છે. ગાંધીનગરમાં સ્કૂલો ખુલતાની સાથે જ નિયમોનાં લીરેલીરા ઉડાવી બાળકોને ઘેટાં બકરાની જેમ ભરીને સ્કૂલ વાનો દોડી રહી છે. ત્યારે મોંઘવારીના મારથી પીસાતા વાલીઓ પણ સ્કૂલ વાનમાં મનેકમને બાળકોને મોકલવા માટે મજબૂર બન્યા છે. તો સ્કૂલના વાનનાં ચાલકો પણ બાળકોની પરવા કર્યા વિના બેફામ ગતિએ વાહનો દોડાવી છડેચોક નિયમોનો ભંગ કરતાં રહે છે. ત્યારે જલ્દી પહોંચવાની ઉતાવળમાં એક સ્કૂલ વાનમાં બાળકોને ભરીને દોડતા ડ્રાઇવરે ચ – ૬થી ચ – ૭ તરફ સેકટર – ૨૯ના કટ પાસે બેફામ ગતિએ વાન હંકારીને બાઇકને ટક્કર મારીને આશાસ્પદ યુવાનનો જીવ લઈ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સાદરા ગામનો ૨૧ વર્ષીય જૈમિન મહેશભાઈ વાઘેલા સેકટર – ૧૫ ની કોલેજમાં બી. કોમનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે સવારે કોલેજથી પરત ઘરે બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે સેકટર – ૨૯ કટ પાસે પૂરપાટ ઝડપે આવતી સ્કૂલ વાને ટક્કર મારી હતી. જેથી જૈમિન રોડ પર પટકાયો હતો. અને મોતને ભેટયો હતો. આ અકસ્માત થતાં જ રોકાઈ જવાની જગ્યાએ સ્કૂલ વાનના ડ્રાઇવરે બાળકો ભરેલી વાનને ઊંધી દિશામાં ફૂલ સ્પીડમાં દોડાવીને ભાગ્યો હતો. જેનાં કારણે અંદર બેઠેલા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને ચીસાચીસ કરી રોકકળ કરવા લાગ્યા હતા. આ દરમિયાન રાહદારીઓએ વાનનો પીછો કર્યો હતો. અને આગળ જઈને બાળકો સાથેની વાન રેઢિયાળ મૂકીને ડ્રાઈવર ભાગ્યો હતો. જેને રાહદારીઓ પકડી પાડયો હતો. બનાવની જાણ થતાં સેકટર – ૨૧ પોલીસ પણ દોડી ગઈ હતી. જ્યારે મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડમાં પણ શહેરમાં નિયમોનો ભંગ કરીને ઘેટા બકરાની જેમ બાળકોને લઈને બેફામ દોડતી સ્કૂલ વાન સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *