લોકો પોલીસ અને વનવિભાગને જોઇ સિંહ દિવાલ પર કલાકો સુધી બેસી રહ્યો…
ઊના – ઊના ગીરગઢડા પંથક ગીરજંગલ બોર્ડરની નજીક આવેલ હોવાથી છાશવારે શિકારની શોધમાં સિંહ ગ્રામ્ય વિસ્તાર સુધી પોહચી જતાં હોય છે. તેમાંય ખાસ કરીને તાલુકાના ખાપટ, વડવિયાળા, ઝુડવડલી અને ફાટસર ગામમાં તો સિંહે પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવી લીધેલ હોય તેમ આ ગામોમાં સિંહની રોજીંદી અવર જવર હોવાનું પણ ગ્રામજનો માંથી જાણવા મળે છે.
ત્યારે ગતરાત્રીના દશ વાગ્યાનીઆ આસપાસ ગીરગઢડાના વડવિયાળામાં સિંહ યુગલ સિંહબાળ સાથે આવી પોહચતા લોકોમાં અફડા તફડી મચી જવા પામેલ સામાન્ય રીતે સિંહ શિકારની શોધમાં મોડીરાત્રીના સમયે ગામમાં લટાર મારવા નિકળતા હોય છે. પરંતુ ગઇકાલે રાત્રીના દશ વાગ્યે વડવિયાળામાં પ્રવેશ કરતા ગામમાં પણ લોકોની અવર જવર હોય અને એ સમયે સિંહ આવી પોહચતા સિંહને જોવા લોકોના ટોળે ટોળા એકત્ર થયેલ અને સિંહ યુગલ પણ ટોળાને જોઇને ગામમાં ફરવા લાગેલ અને ગામના શિવાલય મંદિર પાસે સિંહ પોહચી જતાં લોકો વધુને વધુ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને ગામમાં સિંહ આવ્યાની વાત વાયુવેગે ફેલાતા બાજુના નજીકના ગામવાળા પણ વડવિયાળા પોહચી ગયા હતા. અને એક તરફ સિંહ શિવાલય મંદિર પાસે પોહચી ગયેલ અને સિંહણ ગામમાં આંટા મારતી હોય અને ગામમાં લોકોની ચિચયારી સાંભળી સિંહણ પણ એક ગલી માંથી બીજી ગલી માંથી નિકળી ગામની બહાર સિંહબાળ સાથે પોહચી ગયેલ હતી. જ્યારે આ બાબતની જાણ વનવિભાગને થતાં ફોરેસ્ટર વિરાભાઇ ચાવડા તથા સ્ટાફના ડી જી સરવૈયા, એચ ડી તલાડીયા સહીતનો વનવિભાગનો કાફલો વડવિયાળા પોહચી ગયેલ. અને ઘટના સ્થળ પરની સ્થિતી જોઇ અચંબામાં પડી ગયેલ એક તરફ લોકોનું ટોળુ બીજી તરફ સિંહ શીવાલય મંદિરની બાજુમાં આવેલ દિવાલ પર ચડી બેસી ગયેલ. અને પરિસ્થિતીને કાબુમાં લેવા અને લોકોને વિખેરવા વનવિભાગે તાત્કાલીક ઊના પોલીસને બોલાવી હતી. અને પોલીસ પણ ઘટના સ્થળે પોહચી ગયેલ હતી. જ્યારે પોલીસ અને વનવિભાગની જવાબદારી એ હતી કે સિંહ કોઇ પણ વ્યક્તિ પર હુમલો ન કરે અને કોઇ વ્યક્તિ સિંહને ઉશ્કેરે નહી બાદમાં ગ્રામજનોને સમજાવી પોત પોતાના ઘરે મોકલી આપ્યા હતા. અને એક કલાકની જહેમત બાદ પરિસ્થિતી થાળે પડતા વનવિભાગ અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ જ્યાં સુધી લોકો હટ્યા નહી ત્યાં સુધી સિંહ પણ કલાકો સુધી દિવાલ પર બેસી રહ્યો હતો. આમ કલાકો સુધી ગામમાં સિંહ રોકાણ કર્યુ અને લોકોએ કલાકો સુધી ઉચકજીવે સિંહ દર્શનનો લ્હાવો પણ માણ્યો હતો.
