રામપરા ૨ નાં જાગૃત નાગરિક દ્વારા કાયદેસરના પગલાં લેવા ઇકોલોજી કમિશન, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિતના વિભાગો ને રજૂઆત કરી.
વિક્રમ સાખટ રાજુલા
તા. ૨૯ રાજુલા
દરિયાઇ પટ્ટી વિસ્તાર માં ઉગતી મેન્ગ્રુવ્ઝ (ચેર) નામની વનસ્પતિ નાં નિકંદન પર પ્રતિબંધ છે તેમજ તેના ૫૦ મીટર અંદર માં કોઈ પણ પ્રવૃત્તિ કરવી તે પણ ગેરકાયદેસર છે. આમ છતાં પણ રાજુલા નાં દરિયાકાંઠે આવેલ મહાકાય કંપનીઓ પર્યાવરણીય કાયદા અને નામદાર સુપ્રીમ કોર્ટે તથા હાઈકોર્ટે નાં આદેશને પણ ઘોળીને પી જાય છે. ત્યારે રાજુલા તાલુકાના રામપરા ૨ ગામના જાગૃત નાગરિક ભીખાભાઈ વાઘ દ્વારા ગુજરાત ઇકોલોજી કમિશન સહિતના વિભાગો ને પત્ર ને રજૂઆત કરી હતી કે રાજુલા તાલુકાના રામપરા ૨ ગામે દરિયાકાંઠા નાં વિસ્તારમાં વર્ષોથી ઘટાદાર મેન્ગ્રુવ્ઝ (ચેર) નાં વૃક્ષો આવેલા છે. APM ટર્મિનલ પીપાવાવ લિમિટેડ કંપની દ્વારા મેન્ગ્રુવ્ઝ (ચેર) નું કરેલ નિકંદન કરી પર્યાવરણ અને જીવસૃષ્ટિ ને નુકસાન પહોંચાડીને કાયદા નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરેલ છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કંપની દ્વારા બંદર તરફ જતો રોડ બનાવવા માટે પણ ઘટાદાર વૃક્ષો નું નિકંદન કર્યું હતું તેમજ કેમિકલ નો ઉપયોગ કરી અહીં સીઆરઝેડ વિસ્તારમાં આવેલા મેન્ગ્રુવ્ઝ નાં વૃક્ષો ને બાળી આ જમીનો પર કંપની કબજો કરતી જાય છે. વર્ષ ૨૦૧૯ નાં સરકાર શ્રી નાં સી.ઝેડ.એમ.પી. નકશા પર મેન્ગ્રુવ્ઝ નાં વૃક્ષો આવેલા છે જ્યારે સ્થળ પર કંપની એ રોડ બનાવેલ છે. આમ આ કંપની દ્વારા મેન્ગ્રુવ્ઝ નિકંદન વારંવાર કરવામાં આવી રહેલ છે બીજી વર્ષ ૨૦૧૯ માં રાજુલા તાલુકાના વિકટર પોર્ટ પર મેન્ગ્રુવ્ઝ નિકંદન મુદ્દે નામદાર હાઈકોર્ટે એ સ્ટે આપ્યો હતો જે હજું યથાવત્ છે તેમજ કોર્ટ દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં મેન્ગ્રુવ્ઝ નાં નિકંદન તથા ૫૦ મીટર માં અંતર માં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ આ મહાકાય કંપનીઓ વારંવાર કાયદા નું ઉલ્લંધન કરી પર્યાવરણ ને નુકસાન પહોંચાડે છે. અંતમાં અરજદારે જણાવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા આ અંગે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અંતે કાયદાકીય લડત લડવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું. હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કંપની સામે પગલાં લેવામાં આવે છે કે પછી અરજદાર કોર્ટ નાં દ્વાર ખખડાવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે.


