છોટાઉદેપુર જિલ્લાની વિવિધ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૧૭માં શિક્ષણ સહાયક તરીકે ફિકસ પગારમાં નિમણુંક પામેલા ૩૩ શિક્ષણ સહાયકોને પુરા પગારમાં સમાવેશ અંગેના હુકમોનું વિતરણ જિલ્લા કલેકટર. સ્તુતિ ચારણના હસ્તે કરવામાં આવ્યું હતું.
૩૩ શિક્ષણ સહાયકોને પુરા પગારમાં સમાવેશ કરતા હુકમોના વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, શિક્ષક સમાજ માટે ખૂબ મહત્વનો છે. સમાજના પાયામાં શિક્ષક છે એમ જણાવી તેમણે કોઇ પણ હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ શિક્ષક પાસેથી ભણીને જ આગળ આવે છે એમ જણાવી તેમણે શિક્ષકો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સંખેડા તાલુકાની રતનપુર (ક) ગામની સરકારી માધ્યમિક શાળાને સ્કોચ સિલ્વર એવોર્ડ મળવા બદલ શાળાના આચાર્ય અને સ્ટાફને કલેકટર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યો, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ માધ્યમિક વિભાગના અધ્યક્ષ અશોકભાઇ રાઠવા, ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યક્ષ જગદીશભાઇ પરમાર અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
