નવસારી
જલાલપોર તાલુકાના કુચેડ ગામે ખેતરોમાં શેરડી કાપવા આવેલ મજૂરોમાંની એક મહિલા પર શેરડી ભરવા આવેલા ટ્રક ચાલકે ટ્રક ચડાવી દેતાં તેણીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહિલા આરામ કરવા રોડની સાઈડ પર સૂતી હતી, જ્યાં ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેણીના પેટ પર પાછળનું ટાયર ચડાવી દેતાં તેણીનું મોત નીપજ્યું હતું. મંગુભાઇ પટેલના ખેતરે શેરડી કાપવા માટે અનેક સમયથી ઉચ્છલ તાલુકાના મજૂરો કામે આવતા હતા. ત્યારે ગણદેવી સુગર ફેક્ટરીમાંhikથી છોટેલાલ સરોજ નામનો ૪૫ વર્ષીય ડ્રાઇવર ટ્રક લઈને શેરડી ભરવા આવ્યો હતો. જેને ખેતરમાં કામ કરતા મજૂરો દ્વારા શેરડી ટ્રકમાં ભરી આપવામાં આવી હતી અને તે ત્યાંથી જવા રવાના થયો હતો. જ્યાં સાથે કામ કરતી પિંટીબેન વસાવા નામની ૩૪ વર્ષીય મહિલા રસ્તાની બાજુએ આરામ કરી રહી હતી. ત્યારે ચાલકે ટ્રક ગફલતભરી રીતે હંકારતાં મહિલાના પેટ પર પાછળનું વ્હિલ ચઢી ગયું હતું, જેના લીધે ઘટનાસ્થળ પર જ મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે ખેત મજૂર જેમારામભાઈ કાથુડ દ્વારા ગ્રામ્ય પોલીસ મથકમાં ગફલતભરી રીતે વાહન હાંકનાર ટ્રકના ડ્રાઇવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. આ સમગ્ર અકસ્માતમાં મહિલાના મોતથી તેના ત્રણ બાળકો નિરાધાર બન્યાં છે. મહિલા ઉચ્છલ તાલુકામાંથી કામે આવતી હોઈ તેના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.


