જામનગર
જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળના યુ.ડી.પી.૭૮ યોજના અંતર્ગત નાઘેડી ગામ પાસે વિકસિત થયેલી નવી સોસાયટીઓને જાેડતા સી.સી.રોડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. નાઘેડી ગ્રામ પંચાયત તથા સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓની રજૂઆતોને ધ્યાને લઈ આ સોસાયટીઓ માટે રૂ.૫૨ લાખના ખર્ચે અંદાજે ૫૫૦ મીટર લંબાઈ તથા પાંચ મીટર પહોળાઈના સી.સી. રોડના કામને સરકાર દ્વારા મંજૂરી અપાઇ છે. સમગ્ર વિસ્તારના પ્રશ્નો પરત્વે અંગત લક્ષ્ય કેન્દ્રિત કરી વિવિધ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ તથા સૌનો પ્રયાસના મંત્રને અનુસરી નાગરિકોની અપેક્ષાઓ પરીપૂર્ણ કરી રહી છે. ખાતમુહૂર્ત કરવામાં આવેલા આ રોડનું કામ પૂર્ણ થતા આ વિસ્તારની સુખ સુવિધાઓમાં વધારો થશે. નવી સોસાયટીઓના રસ્તા, પાણી, ગટરની પ્રાથમિક સુવિધાના કામો ક્રમે-ક્રમે સત્વરે પૂર્ણ કરવામાં આવશે. તેમ જણાવી વ્યાજબી અને સાચા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવાની મંત્રીએ આ તકે ખાતરી આપી હતી. આ પ્રસંગે એડિશનલ કલેક્ટર તથા જાડાના મુખ્ય કારોબારી અધિકા જીજ્ઞાબેન ગઢવી, રણછોડ પરમાર, કુમારપાલસિંહ રાણા, લક્ષ્મણ ખૂંટી, સરપંચ સુરેશ બાંભવા સહિત અવધ નગરી, આધવ રેસીડન્સી, ગ્રીનવિલા સોસાયટી, માધવ ગ્રીન સોસાયટી, આદીનાથ સોસાયટી વગેરે વિસ્તારોના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

