જામનગર
જામનગર એસઓજી પોલીસે બાતમીના આધારે ઢીચડા ગામમાંથી એક ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી લીધો હતો. હેમંત કાનજીભાઈ રાજ્યગુરુ નામનો ઈસમ મેડિકલ ડોક્ટરને લગતી ડિગ્રી ધરાવતા ન હોવા છતાં પોતે દવાખાનું ખોલીને મજકૂર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઇન્જેક્શન આપતો હતો. તેમજ બાટલા ચડાવી રૂપિયા વસૂલ કરતો હતો તેવી હકીકત જામનગર એસ.ઓ.જી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી ડિગ્રી વગર ચલાવતા દવાખાનામાં શખ્સના કબજામાંથી સ્ટેથો સ્કોપ તથા બીપી માપવાનું તેમજ ઇન્જેક્શનના અલગ-અલગ કંપનીઓની દવા મળીને કુલ રૂ ૨૨૧૩નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટીનર્સ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી ધોરણ ૧૨ સુધી જ અભ્યાસ કરેલો છે. ઢીંચડામાં જૈન દેરાસર પાસેથી આરોપી હેમતભાઈ કાનજીભાઈ રાજ્યગુરુને પોલીસે ઝડપી પાડ્યો છે. ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલો આરોપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ઇન્જેક્શન અને દવા આપતો હતો. તેમજ કોઈપણ ડિગ્રી પ્રાપ્ત કર્યા વિના ગેરકાયદેસર રીતે લોકોને તપાસતો હતો. જેથી પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસોજીના પોલીસ સ્ટાફના રાજેશભાઈ મકવાણા તેમજ શોભરાજસિંહ જાડેજા અને રવિ બજડને મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


