જામનગર
જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં યોજાયેલા લોકડાયરામાં એક જ મંચ પર ભાજપ, કાૅંગ્રેસ અને એનસીપીના નેતાઓ જાેવા મળ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, એનસીપીના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા એક જ મંચ પર જાેવા મળ્યા હતા. ત્રણેય પક્ષના નેતાઓ એકબીજા પર રૂપિયા ઉડાવતા જાેવા મળ્યા હતા. કીર્તિદાન ગઢવી, કિંજલ દવે અને નિશા બારોટના લોકડાયરામાં યજમાન પરિવાર અને કાર્યક્રમ માણવા આવેલા મહેમાનોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. કલાકારોની સાથે સાથે નેતાઓ પર પણ ૧૦ રૂપિયાથી લઈ ૫૦૦ રૂપિયા સુધીની ચલણી નોટનો રૂપિયાનો વરસાદ કરાયો હતો. કાર્યક્રમમાં એટલા રૂપિયા ઉડ્યા હતા કે જમીન પર ચલણી નોટનો ઢગલો થયો હતો. કાર્યક્રમ બાદ રૂપિયા ગણવાવાળા થાકી ગયા હતા.જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે હાલ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શહેરીજનોની સાથે રાજકીય આગેવાનો પણ કથાનું રસપાન કરવા પહોંચી રહ્યા છે. કથા સ્થળ પર યોજાયેલા લોકડાયરામાં હાર્દિક પટેલે હાજરી આપી હતી. એનસીપીના કાંધલ જાડેજા, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે હાર્દિક પટેલે પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
