અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ગુજરાત પ્રવાસ પર ટિ્વટ કરતા જિજ્ઞેશ મેવાણી સામે આસામ પોલીસે કાર્યવાહી કરી. વડગામના એમએલએ જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. જાેકે પોલીસે હજુ એફઆઈઆરની નકલ આપી નથી, તેથી કયા કેસમાં મેવાણીની ધરપકડ કરાઈ એ હાલ જાણી શકાયું નથી. આસામ પોલીસે કેટલાક કેસો અંગે મેવાણીની ધરપકડ કરી હોવાની હાલ માહિતી મળી છે. પણ એક ટ્વીટના કારણે ધરપકડ થઈ છે એ વાત બહાર આવી છે. જિજ્ઞેશને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રોડ મારફત અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફત આસામ લઈ જવામાં આવ્યા છે. મને એફઆઈઆરની નકલ આપી નથી, પણ એવું કહ્યું છે કે તમે એક ટ્વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે, આથી તમારી ધરપકડ કરવામાં આવે છે. ટ્વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી. મેં ટ્વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જાેઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે. મને પહેલેથી કોઈ જાણ કરાઈ નથી. પરિવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી. હું લડત આપનારી વ્યક્તિ છું. આવા કેસથી હું ડરવાનો નથી. કોંગ્રેસ પ્રદેશ-પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે ‘લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે. ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે, પરંતુ અમે ડરીશું નહિ લડીશું.’ આ સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી પણ જિજ્ઞેશને મળવા એરપોર્ટ પહોંચ્યા હતા.
