સાગર નિર્મળ
જૂનાગઢ
કિડનીની બીમારીના કારણે રકતદાન કરવાની ઈચ્છાતૃપ્તિ રાખનાર જૂનાગઢનાં ગાયક કલાકાર શ્રી ગૌરાંગ ઓઝાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
“પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં, જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.”
ગઢ, ગઝલ અને ગીરનારને સમર્પિત વંદનિય કવિશ્રી મનોજભાઇ ખંડેરીયાની આ પંક્તિઓ રક્તદાન શિબિરના રૂપમાં ચરિતાર્થ કરનારા સેવા, સહકાર, સંગીત અને સાંપ્રત સમાચારના ક્ષેત્રે અગ્રેસર ચાર નાગર યુવાનો સર્વશ્રી સુનીલ જોશીપુરા, ખમીર મજમુદાર, ચિંતન બુચ અને સંજીવ મહેતાના સફળ આયોજન અને સહિયારી મહેનતથી આજરોજ રેડક્રોસ ભવન, જુનાગઢ ખાતે જ્ઞાતિના એક હોનહાર અને સર્વપ્રિય ગાયક કલાકાર અને ઉમદા ઇન્સાન શ્રી ગૌરાંગભાઈ ઓઝાને લાગણીસભર રક્તાંજલિ આપવામાં આવી હતી. ગૌરાંગભાઈની આજીવન અધૂરી રહેલી રક્તદાન કરવાની ઇચ્છાને એમની કારમી વિદાયની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથિ નિમીત્તે આયોજીત આ રક્તદાન શિબિરમાં ઉમળકાભેર હાજરી પુરાવીને સર્વજ્ઞાતિજનોએ પણ ગૌરાંગભાઈ સાથેની સ્મૃતિઓ અને એના મખમલી અવાજને યાદ કર્યા હતા.
રક્તદાનની સદી ફટકારનાર અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી દ્વારા સન્માનિત એવા મયુરભાઇ દેસાઇએ આ અવસરે ખાસ ઉસ્થિત રહીને આયોજકો તથા રક્તદાતાઓના ઉત્સાહને વધાર્યો હતો. જ્ઞાતિ માટે સદૈવ સેવાતત્પર ઉદયભાઇ વૈદ્ય તરફથી રક્તદાતાઓમાં સ્ફુર્તિના પુન:સંચાર માટે ખાસ એનર્જી ડ્રીંકની સેવા પ્રદાન કરવામાં આવી હતી, ઉપરાંતમાં એમના ધર્મપત્નિ અમીબહેન તથા સુપુત્રી તિર્થા દ્વારા રક્તદાન પણ કરાયુ હતું, આમ સમગ્ર પરિવારનો ઉત્તમ સહયોગ આ શુભકાર્યમાં રહ્યો એ બાબત ઉલ્લેખનિય છે.
સામાજીક સેવાઓમાં વર્ષોથી અગ્રેસર અને ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી અને પૂર્વ મેયર શ્રી મહેન્દ્રભાઇ મશરૂએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને રક્તદાતાઓને અભિનંદન આપ્યા અને એમના વરદ હસ્તે ગૌરાંગભાઈ ઓઝાના પિતા શ્રી લલિતભાઇ તથા માતૃશ્રી પ્રવિણાબહેનને સન્માનપત્રથી નવાજ્યામાં આવ્યા હતા.
એક વર્ષ પછી પણ જેના નામ આગળ ‘સ્વ.’ લખતા હાથ કાંપે છે એવા ગૌરાંગભાઈ ઓઝાને હ્દયપૂર્વકના શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.


