જૂનાગઢ શહેરના આઝાદ ચોક પાસેની જૂની સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેમાં પ્લાસ્ટિકના બદલામાં તમને નાસ્તા સાથે સરબત સહિતની ખાધ વસ્તુઓ આપવામાં આવે છે. આ કાફેના પ્રારંભને માત્ર ચાર દિવસમાં ૧૮૨ કિલો પ્લાસ્ટિક એકત્રીત કરવામાં આવ્યું છે. અને ચાર દિવસમાં ૧૯,૮૫૩ રૂપિયાની આવક મેળવી છે. તા. ૩૦ જુનના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફે નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાફે સખી મંડળની બહેનો હસ્તક છે. બહેનો પ્રાકૃતિક વસ્તુની ખેડૂતો પાસેથી ખરીદી કરી લોકોને શુદ્ધ ભોજન જમાડી રહી છે. તે ઉપરાંત આ પ્લાસ્ટિક કાફેમાં તમે પ્લાસ્ટિક જમા કરાવો તો તમને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. આ પ્રાકૃતિક કાફેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર ચાર જ દિવસમાં ૧૯૮૫૩ ની આવક સખી મંડળની બહેનોએ મેળવી છે. અને ચાર દિવસમાં ૧૮૨ કિલો પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ૫ કિલો બીજા દિવસે ૩ કિલો ત્રીજા દિવસે ૩ કિલો અને ચોથા દિવસે ૧૬૦ કિલો પ્લાસ્ટિક એકત્રિત થયું છે.આ પ્લાસ્ટિક કાફેમાં માત્ર લોકો ભોજન આરોગવા નથી આવતા પરંતુ અહીંયા મળતી પ્રાકૃતિક વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે. જેમાં ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓનું વેચાણ સાથોસાથ માટીના વાસણોનું પણ વેચાણ કરવામાં આવે છે. આથી આ કાફેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ કાફે થકી સખીમંડળની બહેનો પણ સારી એવી રોજગારી મેળવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કે તારીખ ૪ જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ હોવાથી માત્ર એક જ દિવસમાં પ્રાકૃતિક કાફેમાં ૧૬૦ કિલો પ્લાસ્ટિક જમા થયું છે.એમ મહિલા અને બાળ અધિકારી જીગર જસાણી દ્વારા જણાવાયું હતું.
