ગીર સોમનાથ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી જાેરશોરથી પ્રચાર કરી સત્તાધારી ભાજપ પાર્ટીને ટક્કર આપવા પ્રયાસ કરી રહી છે. જેના અંતર્ગત સોમનાથના સાંનિધ્યમાં સભા સંબોધવા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. આ સભામાં પોતાના પ્રવચનની શરૂઆતમાં ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુ આપણાં ભાઈઓએ જાન ગુમાવી પડી છે એમ કહી તેમની આત્માની શાંતિ માટે ૨ મિનિટનું મૌન પાળ્યું હતું. દારૂના લીધે મૃત્યુ પામેલા લોકોની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી ગયા નથી, જે ઘણું બધું કહી રહ્યું છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનો નશાનો ધંધો છે. ત્યારે જે લોકો પોતાના બાળકોને ઝેરી શરાબ પીવડાવવા માંગે છે તે ભાજપને મત આપજાે અને જે લોકોની સારી સુવિધા, રોજગાર જાેઈએ છે તે અમને (આપ પાર્ટીને) મત આપજાે. આજે હું સોમનાથ સાંનિધ્યે રોજગાર મુદે ગેરન્ટી આપવા આવ્યો છું. ગુજરાતના દરેક ભાઈ, બહેનને કહું છું કે, હવે આપઘાત કરવાની જરૂર નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે. જે હું કેજરીવાલ સોમનાથ સાંનિધ્યેથી પાંચ ગેરન્ટી આપું છું. જેમાં રાજ્યના દરેક યુવકને રોજગારી આપવામાં આવશે., જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને ૩ હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશ., ૧૦ લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું., સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને અટકાવવા માટે કાયદો લાવીશું, સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગથી નોકરી નહીં દેવા દઈએ તેમાં પારદર્શકતા લાવીશું. હું વીજળી, શિક્ષણ ફ્રીમાં આપું છું તો મફતમાં રેવડી વેચવા આવ્યો તેવું કહે છે. હું જનતાને ફ્રીમાં રેવડી વેચું છું જ્યારે તેઓ તેમના મિત્રોને ફ્રીમાં રેવડી આપે છે. પેપર લીક મુદ્દે પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે – પેપર લીક ના થાય તે માટે આપ દ્વારા ગુજરાતમાં કાયદો બનાવવામાં આવશે. પેપર ના ફૂટે તે માટે દોષિતને કડક સજા મળે તેવી જાેગવાઈ કરવામાં આવશે. સહકારી સંસ્થાઓમાં પૈસાથી મળતી નોકરી બંધ કરવામાં આવશે, જે લાયક હશે તેને જ નોકરી આપીશું.સોમનાથ સાંનિધ્યે સભા સંબોધવા આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર તાબડતોબ આકરા પ્રહારો કરવાની સાથે ગુજરાતના યુવાઓને ૧૦ લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું. ઉપરાંત જ્યાં સુધી યુવાઓને રોજગારી નહીં આપે ત્યાં સુધી રૂ. ૩ હજારની માસિક રકમ બેંક ખાતામાં આપીશું તેવા વાયદાઓ પણ કર્યા હતા. તો આજના ભાષણમાં કેજરીવાલે આક્રમકતા સાથે સહાનુભૂતિ મેળવવા અનેક મુદાઓને લઈ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારને આડેહાથે લીધી હતી.

