નડિયાદ
નડિયાદ બારશાખ રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિ. જી.એમ.આર.ઈ.એસ જનરલ હોસ્પિટલ ગોત્રી ખાતે ફરજ બજાવતાં વર્ષાબેન ડી. રાજપૂતે કોરોના મહામારી દરમિયાન બજાવેલી ઉત્કૃષ્ટ ફરજાે બદલ મેળવેલા રાષ્ટ્રપતિ પુરસ્કાર અને પારૂલ યુનિ.માંથી માસ્ટર ઓફ કોમર્સ (ઓનર્સ) ઈન એકાઉન્ટીંગ અને ફાઈનાન્સ મટે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર જાદવ દિપાલીબેન હીતેષભાઈનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. શહેરના સાર્વજનિક કન્યા વ્યાયામ મંદિર નડિયાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌપ્રથમ દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના મંદાકિનીબેન દિલીપભાઈ જાેષીએ રજૂ કરી હતી. સ્વાગત પ્રવચન ઈશ્વર રાજપૂત અને પ્રાસંગિક પ્રવચન પ્રમુખ પુષ્પાબેન રાજપૂતે કર્યુ હતુ. સંસ્થાનો વાર્ષિક વહીવટી અહેવાલ અને ભાવિ કાર્યક્રમની રજૂઆત કરતા મંત્રી ધવલ રાજપૂતે વર્ષ દરમિયાન સંસ્થાએ પ્રવાસ અને ઉજાણીની માહિતી આપી હતી. તે સાથે-સાથે ટ્રસ્ટની નિર્દેશિકા પ્રસિદ્ધ કરવાનો સમય થઈ ગયો હોવાથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ટ્રસ્ટનો વર્ષિક હિસાબ રજૂ કરતા ખજાનચી મનોજ ચાવડાએ કોરોના મહામારી છતાં દાતાઓ તરફથી મળેલા દાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સન્માનના પ્રત્યુત્તરમાં રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવનારી વર્ષાબેન રાજપૂતે કોરોના મહામારી દરમિયાન પોતાના કુંટુંબની પરવા કર્યા સિવાય બજાવેલી ફરજાેની વિસ્તૃત છણાવટ કરી હતી. આ પ્રસંગે કોમર્સમાં માસ્ટર ડીગ્રી સાથે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનારી જાદવ દિપાલીબેને પોતાનો અનુભવ વર્ણવતા માતા-પિતાના સહકારની વિગતો રજૂ કરી હતી. ટ્રસ્ટના તેજસ્વી વિદ્યાર્થીઓને હેમલ રાજપૂત તરફથી ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં આભાર વિધિ અનિલ રાજપૂતે કરી હતી.


