સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ તથા સૌનો પ્રયાસના મંત્રને અનુસરી નાગરિકોની અપેક્ષાઓ પરીપૂર્ણ કરી રહી છે- કૃષિમંત્રીશ્રી
રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળના યુ.ડી.પી.૭૮ યોજના અંતર્ગત નાઘેડી ગામથી નાઘેડી ગામ પાસે વિકસિત થયેલ નવી સોસાયટીઓને જોડતા સી.સી.રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. નાઘેડી ગ્રામ પંચાયત તથા સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓની રજૂઆતોને ધ્યાને લઈ આ સોસાયટીઓ માટે રૂ.૫૨ લાખના ખર્ચે અંદાજે ૫૫૦ મીટર લંબાઈ તથા પાંચ મીટર પહોળાઈના સી.સી. રોડના કામને સરકાર દ્વારા મંજૂરી અપાઇ છે.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારના પ્રશ્નો પરત્વે અંગત લક્ષ્ય કેન્દ્રિત કરી વિવિધ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ તથા સૌનો પ્રયાસના મંત્રને અનુસરી નાગરિકોની અપેક્ષાઓ પરીપૂર્ણ કરી રહી છે. આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલ આ રોડનું કામ પૂર્ણ થતા આ વિસ્તારની સુખ સુવિધાઓમાં વધારો થશે. નવી સોસાયટીઓના રોડ, રસ્તા, પાણી, ગટરની પ્રાથમિક સુવિધાના કામો ક્રમે ક્રમે સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવી વ્યાજબી અને સાચા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવાની મંત્રીશ્રીએ આ તકે ખાતરી આપી હતી.
આ પ્રસંગે એડિશનલ કલેકટર તથા જાડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી જીજ્ઞાબેન ગઢવી, શ્રી રણછોડભાઈ પરમાર, શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી લક્ષ્મણભાઈ ખૂંટી, સરપંચ શ્રી સુરેશભાઈ બાંભવા સહિત અવધ નગરી, આધવ રેસીડન્સી, ગ્રીનવિલા સોસાયટી, માધવ ગ્રીન સોસાયટી, આદીનાથ સોસાયટી વગેરે વિસ્તારોના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

