રાજકોટ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે ૫ વિકેટે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ભારતે ૧૪૮ રનનો ટાર્ગેટ ૧૯.૪ ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ભારતને આ લક્ષ્યાંકને પાર પાડવામાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનો મહત્વનો ફાળો રહ્યો હતો. જ્યારે ભુવનેશ્વર કુમારે ૪ વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર ભાંગી નાખી હતી. હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ દેખાવ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ગત વર્ષે ટી૨૦ વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. એશિયા કપના આ મહાસંગ્રામમાં ભારતે પાકિસ્તાનને ૫ વિકેટે પરાજય આપ્યો હતો. એશિયા કપમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે ૨૦૧૪ પછી જીતી શક્યુ નથી. પાકિસ્તાનની ટીમને ૨૦૧૮ના એશિયા કપમાં તો ભારત સામે ૨ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓવરઓલ એશિયા કપના રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતે પાકિસ્તાનની સામે ૧૪ મેચમાં ૮ મેચમાં જીત મેળવી છે. તો પાકિસ્તાને ૫ મેચમાં જીત મેળવી છે. અને ૧ મેચ વરસાદની કારણે ધોવાઈ ગઈ હતી.રાજકોટ શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર ઠેર ઠેર લોકોએ આતશબાજી કરી હતી. રાજકોટ જાણે ફટાકડાના અવાજથી ગુંજી ઉઠ્યું હોય તેવો માહોલ જાેવા મળ્યો હતો. કોટેચા ચોકમાં પણ યુવાનોએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરવા માટે આતશબાજી કરી જીતને વધાવી હતી. તેમજ કેટલાક યુવાનો પોતાની કારમાં રાષ્ટ્રધ્વજ સાથે નીકળી પડ્યા હતા અને જીતની ખુશીમાં ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારતા હોય તેમ નજરે પડ્યા હતા. એશિયા કપમાં ગઈકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ મેચ રમાઈ હતી. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને કચડતા રાજકોટવાસીઓ ખુશખુશાલ બન્યા હતા અને મધરાતે ઠેર ઠેર આતશબાજી સાથે જીતની ઉજવણી કરી હતી. થોડીવાર તો દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચને લઈને રાજકોટવાસીઓ ટીવી સામે ગોઠવાઇ ગયા હતા. અમુક જગ્યાએ તો બીગ સ્ક્રિન પર લોકોએ મેચ નિહાળી હતી.


