Gujarat

મનની શુદ્ધિથી જ સુખ-આનંદની પ્રાપ્તિ

જેમ ઘરમાં રોજ ઝાડું લગાવવાથી ઘર સાફ રહે છે નહી તો કચરો હવા મારફતે આવીને ઘરને ગંદુ કરશે તેવી જ રીતે વ્યક્તિના મનમાં સંસારની વસ્તુઓને જોઇને કામ ક્રોધ લોભ ઇર્ષ્યા દ્રેષ અભિમાન વગેરે દોષોનો કચરો રોજ બોલાવ્યા વિના જ આવી જાય છે.જો આપણે પોતાના મનને શુદ્ધ નહી કરીએ તો આ કચરો ધીરે ધીરે વધતો જશે અને એક દિવસ એટલો વધી જશે કે જીવવું કઠીન બની જશે અને શાંતિ ઉત્સાહ નિર્ભયતા પ્રેમ સેવા દયા વગેરે ગુણોને આ કચરો દબાવી દેશે અને તે ઉત્તમ રીતે જીવી નહી શકે.

આજે સમગ્ર સંસારની હાલત એવી છે કે માનવ આ કચરાની શુદ્ધિ કરવા ઇશ્વરની ભક્તિ ઉપાસના કરતો નથી.કેટલાક લોકો ખોટી રીતે પ્રયાસ કરે છે કેમકે તે અસલી ઇશ્વરને ઓળખતા નથી.જેમ પ્લાસ્ટીકના ફુલ ઉપર મધુમાખી બેસે તો તેને અસલી રસનો સ્વાદ મળતો નથી તેમ ઇશ્વરના વાસ્તવિક સ્વરૂપની જાણકારી વિના ભક્તિ-ઉપાસના કરવાથી કોઇ લાભ થતો નથી.

ઇશ્વરના જાણકાર પૂર્ણ સંત પાસે જઇ ઇશ્વરની ઓળખાણ કરી પોતાની અંદર ઉત્તમ ગુણોની,ઉત્તમ સંસ્કારોની સ્થાપના કરીએ.ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવું,ઇશ્વરના અસલી સ્વરૂપ નિરાકાર સર્વશક્તિમાન ન્યાયકારી આનંદસ્વરૂપ ઇશ્વરની ઉપાસના કરવી,ઘરમાં નિત્ય ઇશ્વરની સેવા પૂજા ઉપાસના કરવીબાળકોને સારા સંસ્કાર અને શિક્ષણથી કાળજી રાખવી,મનની શાંતિને પ્રમુખતા આપવી,ચરીત્રને મહત્વ આપવું અને ધન સંપત્તિ અને ભોગોને ઓછું મહત્વ આપીશું અને સંસ્કારોને મહત્વ આપીશું તો મનની શુદ્ધિ અવશ્ય થશે.વર્તમાન સમયમાં સંસારની સ્થિતિ ઘણી ખરાબ છે અને ટીવી અને મોબાઇલના લીધે સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે.

આપણે ત્રણ વાતોને મહત્વ આપવાનું છેઃકોઇપણ વ્યક્તિ કે વસ્તુના વિશે સાચી અને પૂર્ણ જાણકારી મેળવવા લાંબા સમય સુધી તેને જોવાની,પરખવાનીસંપર્કમાં રહેવાની જરૂર છેદરેક ઋતુ એક સરખી નથી હોતી,મૌસમ અનુસાર વૃક્ષ ક્યારેક સૂકાઇ જાય છે તો ક્યારેક ફળફુલથી હર્યુભર્યું ભરપુર રહે છે તેમ મનુષ્યના જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે એટલે અમારા જીવનમાં જો ખરાબ સમય આવે તો હિંમત અને ધીરજથી કામ લો..પોતાની વાત જ સત્ય છે એવો દુરાગ્રહ ના રાખો,મનનો દરવાજો ખુલ્લો રાખો અને બીજાઓના વિચારોને પણ જાણવાનો પ્રયાસ કરો.આ સંસાર જ્ઞાનથી ભરેલો છે,તમે એકલાએ જ તમામ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એવો ભ્રમ કાઢીને જ્ઞાની વ્યક્તિઓની સલાહ લેવામાં સંકોચ ના કરશો.

પુરાતન સમયમાં સંતો ગામડાઓમાં લોકોને પ્રવચનોના માધ્યમથી બોધ આપતા હતા અને ભિક્ષા માંગીને પોતાનું જીવનયાપન કરતા હતા.એક દિવસ ગામની એક મહિલા સંત માટે ભોજન બનાવે છે. સંત જ્યારે તે મહિલાને ઘેર જમવા જાય છે ત્યારે મહિલાએ પુછ્યું કે મહારાજ..અમોને જીવનમાં સાચું સુખ અને આનંદ કેવી રીતે મળેસંત કહે છે કે તમારા પ્રશ્નનો જવાબ હું કાલે આપીશ.બીજા દિવસે તે મહિલા સંતના માટે ખીર બનાવે છે.

સંત ભિક્ષા માટે બૂમ પાડે છે.મહિલા સંત માટે ખીર લઇને બહાર આવે છે.સંત ખીર લેવા માટે પોતાનું કમંડલ આગળ ધરે છે.મહિલા ખીર નાખવા જાય છે ત્યારે તેની નજર કમંડલની અંદર પડે છે તેથી સંતને કહે છે કે આપનું કમંડલ તો ગંદુ છે તેમાં કચરો છેત્યારે સંત કહે છે કે કમંડલ ગંદુ છે છતાં તમે ખીર તેમાં નાખી દો.મહિલા કહે છે કે આમ કરવાથી તો ખીર ખરાબ થઇ જશે.મહિલા કહે છે કે મહારાજ આપ કમંડલ મને આપો,હું તેને ધોઇને સાફ કરી દઇશ,ત્યારે સંતે પુછ્યું કે જ્યાંસુધી કમંડલ સાફ નહી થાય ત્યાં સુધી તમે ખીર તેમાં નહી નાખોમહિલા કહે છે કે કમંડલને સાફ કર્યા પછી જ હું તેમાં ખીર આપીશ.

ત્યારે સંતે કહ્યું કે તેવી જ રીતે જ્યાંસુધી અમારા મનમાં કામ ક્રોધ લોભ મોહ જેવા વિચારોની ગંદકી ભરેલી છે ત્યાંસુધી તેમાં સારા ઉપદેશને કેવી રીતે નાખી શકાયઅને એવા મલિન મનમાં ઉપદેશ આપીશું તો કોઇ અસર થશે નહી એટલે સારા ઉપદેશ ગ્રહણ કરવા માટે મનને શાંત અને પવિત્ર કરીશું તો જ અમે જ્ઞાનની વાતોને શિખી શકીશું.શાંત અને પવિત્ર મનવાળાને જ સાચા સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે.

સદીઓથી બુદ્ધિજીવીઓ ચિન્તન કરી રહ્યા છે,વક્તા ભાષણ આપી રહ્યા છે,મોટા મોટા સંમેલનો,મોટી મોટી જાહેર ખબરો..આ બધું અવિરત૫ણે ચાલી રહ્યું છે તેમછતાં શાંતિ મળતી નથી.આ બહું મોટી સમસ્યા છે.તમામ સમસ્યાઓ મનની છે.મનને ઠેકાણું જોઇએ.ચિંતન મનન ભાષણો સંત સંમેલનો તમામ મુબારક છે કે જો મન આત્માને આધિન હોય..

મન અને આત્મા જીવનરૂપી વૃક્ષ ઉ૫ર બેઠેલા બે ૫ક્ષીઓ છે.તફાવત એટલો છે કેઃમન ફળ ખાવાની ઇચ્છા રાખ્યા કરે છે અને આત્મા ફળની ઇચ્છાથી રહીત હોય છે.આત્માની ઇચ્છા છેઃ૫રમાત્મા કે જે આત્માનું મૂળ સ્વરૂ૫ છે.આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો ૫રમ શાંત થઇ જાય છે.આ અવસ્થામાં મન આત્માની આધિનતા સ્વીકારી લે તો મન ૫ણ શાંત બની જાય છે.સમસ્યા અંદરની છે તો સમાધાન ૫ણ અંદરથી જ કરવું ૫ડશે.સમાધાન એક જ છે કેઃ આત્માનું ૫રમાત્માની સાથે મિલન.આ જ આધ્યાત્મિકતાનું શિખર છે.વિશ્વના દરેક મનુષ્‍યનો આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો જ વિશ્વ શાંતિ સંભવ છે.શાંતિ જોઇએ તો આ કદમ ઉપાડવું જ ૫ડશે.

મન જ અમારા બંધન અને મોક્ષનું કારણ છે.આ સિવાય અમારા જીવનમાં સફળતા અને નિષ્ફળતાઓમાં ૫ણ અમારૂં મનોબળનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે.મનમાં ઉત્સાહ હોય તો કઠીન કાર્ય ૫ણ સુગમતાપૂર્વક સં૫ન્ન થાય છે,પરંતુ ઉત્સાહહીન અધૂરા મનથી કરેલ કાર્યમાં અસફળતા જ મળે છે એટલે વિજ્ય-૫રાજયનું કારણ ૫ણ અમારૂં મનોબળ છે.મનની શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે એટલે કે મનને એકાગ્ર કરવા ભક્તિ‘ (કર્મ)ની જરૂર છે અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા જ્ઞાનની જરૂર છે.જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય..ત્રણે પરિપૂર્ણ થાય ત્યારે જીવ પરમાત્માના દર્શન કરી સાચા સુખ અને આનંદની પ્રાપ્તિ કરી કૃતાર્થ થાય છે.

સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે.મન જ સંસાર ઉભો કરે છે.સ્વપ્નનું જગત જેમ મન ઉભું કરે છે તેમ જાગૃત અવસ્થાનું જગત પણ મન ઉત્પન્ન કરે છે.મન બગડે એટલે જીવન બગડે છે,મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. મન જ જીવને સંસાર-બંધનના કારણ રૂપ છે અને તે જ મન મોક્ષના કારણરૂપ છે.મનુષ્યનું મન જો વિષયોમાં આસક્ત થાય તો સંસારમાં દુઃખ આપનાર થાય છે અને તે જ મન જો વિષયોમાં આસક્ત ના થાય અને ઈશ્વરના ભજનમાં લીન થાય તો તે મોક્ષ આપનાર થાય છે.વિષયનું ચિંતન કરતા મન તેમાં ફસાય છેમનની લુચ્ચાઈ ઘણી છે માટે મનને પરમાત્મામાં સ્થિર કરો.

બહારનો સંસાર દુઃખ આપતો નથી પણ મનમાં રહેલો સંસાર દુઃખ આપે છે.નિંદ્રામાં જેમ મન નિર્વિષય થાય છે તેવું જ જો જાગ્રત અવસ્થામાં પણ મન નિર્વિષય રહે તો શાંતિ મળે છે.નિંદ્રામાં જેવું નિર્વિષય મન રહે છે તેવું મન બનાવવું હોય તો મનના વિકારોને બહાર ધકેલી દો કે મનમાં બીજું કાંઇક ભરો જેમ કે મનને પરમાત્માના પ્રેમથી ભરી દો એટલે ત્યાં રહેલો સંસાર નીકળી જશે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *