Gujarat

યાત્રા જરૂર કરવી, પરંતુ પ્રકૃતિનો મિજાજ પણ જરા ધ્યાને લેવો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
હજુ હમણાં જ તો આપણે સમાચાર માધ્યમો દ્વારા સમાચાર જાણ્યા કે અમરનાથ ગુફાથી માત્ર બે કિલોમીટરના અંતરે અચાનક વાદળ ફાટ્યું. અને વાદળ ફાટવાની સાથે શરૂ થયો હતો મુશળધાર વરસાદ અને ગણતરીની મિનિટોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ. આ જ વિસ્તારમાં ટેન્ટમાં લગભગ દસ થી બાર હજાર યાત્રીઓ પવિત્ર ધામ અમરનાથની પવિત્ર ગુફામાં આવેલ બાબાઅમરનાથના  શિવલિંગના દર્શનાર્થે રોકાણ કર્યું હતું. લગભગ પંદરેક વ્યક્તિઓ પૂરનો શિકાર બની હતી કેટલાક વધુની આશંકા સેવાઈ. અચાનક ભયંકર વરસાદ થાય એટલે પૂર્વ તૈયારી ગમે તેટલી હોય તો પણ જાનમાલને નુકશાન થવાની સંભાવના વધી જાય છે. જો કે બચાવ કામગીરી પણ શરૂ થઈ જાય છે એનડીઆરએફની ટીમો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આવા પાણીના પૂર કેટલીય જિંદગીઓને પોતાના પ્રવાહની સાથે લઈ જાય છે. આવા સમયે ભેખડ ધસવાના બનાવો પણ બને છે. માનવીની આવા વિસ્તારમાં ટુરિસ્ટ માટે ગમે ત્યાં આવાસ નિર્માણ કરવાની ઘેલછાને લીધે કેટલાય વૃક્ષનું નિકંદન નીકળી જાય છે. અને પહાડી વિસ્તારમાં નદી કાંઠાનું આહ્લાદક અને નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણવા માટે પર્યાવરણના નિયમોની પણ અનદેખી કરવામાં આવે છે. પછી જ્યારે અચાનક આવી દુર્ઘટના બને ત્યારે આવી બાબતો પ્રકાશમાં આવે છે. તંત્ર પણ સુફિયાણી વાતો કરી તેનો આબાદ બચાવ કરતું જોવા મળે છે. એક વાત સ્પષ્ટ છે કે મોટે ભાગે તો વાદળ ફાટવાની ઘટનાઓ મે જૂન જુલાઈમાં થવાની સંભાવના વધુ હોય છે આ સમય ખરેખર સાવધાનીનો છે આવી પરિસ્થિતિમાં પર્યાવરણની જાળવણી માટે પણ ખૂબ ચોક્કસાઈથી તંત્ર દ્વારા આ વિસ્તારમાં હરવા ફરવા કે દર્શન કરવા માટે સિમિત માત્રામાં કડક નિયમો સાથે મંજૂરી આપવી જોઈએ. પ્રકૃતિના સંતુલનને બચાવવા માટે ઠોસ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. ખાલી એ.સી.ચેમ્બરોમાં બેસીને બે ચાર મીઠી મીઠી વાતો કરવાથી કશું નહીં વળે. સિવાય કે આવી અણધારી આફતો..!! પ્રકૃતિની ગોદને પ્રકૃતિથી જ હરીભરી રાખવી વધુ મુનાસિબ હશે. હા, બચાવ કામગીરીમાં હાઈટેક બુધ્ધિ પ્રયોજન જરૂરી છે. પ્રકૃતિ આવી ઘટના દ્વારા સંકેત આપે છે કે હવે વૃક્ષોનું હનન વિકાસ માટે પણ નહીં.. આવા વાદળ ફાટવાના કુદરતી ઈશારાને સમજી પ્રકૃતિનું જતન કરવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ હોય શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *