રાજકોટ
રાજકોટ શહેરમાં ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજકોટના મુખ્ય ડ્રગ્સ પેડલર પિતા-પુત્ર ઈરફાન પટણી અને અમન પટણીની ધરપકડ કરી છે. મુંબઇથી ડ્રગ્સ લઇ અમદાવાદથી રાજકોટ આવતા સમયે અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક એક ટેક્સી બદલી બીજા વાહનમાં જાય તે પહેલા ચોક્કસ માહિતીના આધારે વોચ ગોઠવી આવતાની સાથે જ તેને ઝડપી પાડી તેની અંગ જડતી લેતા તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ૭.૬૪ લાખની કિંમતનો ૭૬.૪૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહિત કુલ ૮.૨૪ લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં તમામ ડ્રગ્સ પેડલરો તેમજ ડ્રગ્સના બંધાણી યુવાનોને ઈરફાન પટણી અને ઝલાલ એમડી ડ્રગ્સ પૂરું પાડતા હતા. એસઓજી પોલીસે થોડા સમય પહેલા ઝલાલની ધરપકડ કરી હતી. બાદમાં અન્ય મુખ્ય પેડલર પિતા-પુત્ર પટણીની ધરપકડ કરી છે. ઇરફાન અને તેનો પુત્ર મુંબઇથી ડ્રગ્સ લાવી કોલેજીયન યુવાનોને તેમજ અન્ય પેડલરોને પડીકી બનાવી રૂપિયા ૪૦૦૦ માં વેચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપી ઇરફાન પટણીને અગાઉ યુવા ક્રિકેટરની માતાએ કરેલા આક્ષેપ મામલે ગત વર્ષે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેસકોર્સ નજીક હોટલમાંથી ધરપકડ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં તે એનડીપીએસ અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ એસઓજી પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રાજકોટ કુવાડવા પોલીસને સોંપી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં નશાનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. રાજકોટ શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર મુખ્ય ડ્રગ પેડલર પિતા-પુત્રની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ૭.૬૪ લાખ કિંમતનું ૭૬.૪૫ ગ્રામ એમડી ડ્રગનો જથ્થો ઝડપી પાડી કુલ ૮.૨૪ લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

