ગાંધીધામ
રાપરના કરણભા રમેશભા કરશનભા ગઢવી, ભાવેશ નીતિનભાઇ ગીરધરલાલ ઠક્કર અને હરીપ્રસાદ ઉર્ફ હરેશ ઇશ્વરદાસ રણછોડદાસ રામાનંદીને પકડી પુછપરછ કરતાં તેમણે મૂળ મધ્યપ્રદેશના મુરૈનાના વતની સાગર ઊર્ફે છોટુ ગજરાજસીંગ તોમર, લાલુ ગાદીપાલ કુશવાહ અને સોનુ નરેશસીંગ પરમારે ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. મોરબી પોલીસે એમપી જઈ સોનુને દબોચી લીધો હતો. તેની પૂછતાછમાં બહાર આવ્યું હતું કે સૂત્રધાર કરણભા ગઢવી, ભાવેશ ઠક્કર અને હરેશ રામાનંદી ત્રણે જણ પોતાના ભાગના રૂપિયા લેવા માટે ગુનામાં વપરાયેલી બાઈક પર રાપરથી એમપી આવવા નીકળ્યાં હોવાની બાતમીના આધારે પોલીસે તેમને રસ્તામાંથી દબોચી લીધા હતા. પકડાયેલા આરોપી પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ, ૮ જીવતા કારતૂસ પણ મળી આવતા આર્મ્સ એક્ટ તળે અલગથી ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા સાગર તોમર અને લાલુ કુશવાહ હજુ ઝડપાયા નથી. પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન, મોટર સાયકલ જપ્ત કર્યાં છે.જાે કે, રોકડ રકમ હાથ લાગી નથી. ૬૨.૫૦ લાખ પૈકી ૬૦ લાખ રૂપિયા ફરાર આરોપી સાગર તોમર પાસે છે. સાગરે અઢી લાખ રૂપિયા સોનુને આપ્યા હતા જે તેણે વાપરી નાખ્યા હોવાાનું પુછપરછમાં ખુલ્યું છે.રાપરથી મોરબી જતાં આંગડિયા પેઢીના કર્મચારીનો ૬૨.૫૦ લાખ રોકડા રૂપિયા ભરેલો થેલો એસટી બસમાંથી લઈ ચોરીને અંજામ આપનાર ગેંગના સ્થાનિક ૪ મૂખ્ય સૂત્રધારને મોરબી એલસીબીએ પકડી ભેદ ઉકેલી લીધો હતો. આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૪ જૂને રાપરની આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમારે રોકડા રૂપિયા ભરેલો થેલો લઈ, રાપરથી મોરબી જતી એસટી બસમાં બેઠા હતા. માળિયા હાઈવે પર માધવ હોટેલ ખાતે ચા-પાણી માટે બસ રોકાઈ ત્યારે મહાદેવભાઈ થેલાંને બસમાં જ રાખી લઘુશંકા માટે નીચે ઉતર્યા હતા. પરત આવીને જાેયું તો ૬૨.૫૦ લાખ રૂપિયા ભરેલો થેલો ગાયબ થઈ ગયો હતો. આ ચકચારી ચોરીનો ભેદ ઉકેલવા અલગ અલગ ટૂકડીઓ પાડી ગહન તપાસ શરૂ કરાઈ હતી. મોરબી પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું હતું કે બસમાંથી બે બુકાનીધારી શખ્સો નાણાં ભરેલો થેલો લઈને ઉતર્યા હતા અને નંબર પ્લેટ વગરની મોટર સાયકલ પર આવેલા શખ્સ સાથે ફરાર થઈ ગયાં હતા.
